Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

ચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગના બે યુવકોના કસ્ટડીમાં અપમૃત્યુ પ્રકરણ : સોમવારે ડાંગ બંધનું એલાન

આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા : ડાંગ બંધ નો એલાન કરતા મામલો ઉગ્ર બનવા પામ્યો છ

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશન માં 21 જુલાઈ ના રોજ સવારે 5 વાગ્યા થી 8 વાગ્યા દરમિયાન ચોરીના શકમંદ તરીકે પૂછપરછ માટે ડાંગ થી લવાયેલા બે યુવકોના કસ્ટડીમાં અપમૃત્યુ બાબતે સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેને લઇ ને ડાંગ જિલ્લામાં ભાજપ ,કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા એકમત સાથે સોમવારે ડાંગ બંધ નો એલાન કરતા મામલો ઉગ્ર બનવા પામ્યો છે.

ડાંગ જિલ્લામાં વઘઇ તાલુકાના આદિવાસી યુવાનો સુનિલભાઈ પવાર અને રવિભાઈ જાધવના પરિવારો પોલીસ સ્ટેશનમાં કરેલ આપઘાત બાબતે શંકા સેવી રહ્યા છે, સાથેજ તમામ કસૂરવારો ને માત્ર સસ્પેન્ડ કરવાથી કામ નહીં ચાલે પણ તેમના વિરુદ્ધ માનવ વધ નો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ પરિવાર અને આદિવાસી સમાજ ની રહેવા પામી છે. તેવામાં આજરોજ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના ડાંગ જિલ્લા ના ધારાસભ્ય વિજયભાઇ પટેલ, કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ ,વ્યારાના પૂનાજીભાઈ ગામીત,માંડવીના આનંદભાઇ ચૌધરી,સહિત આગેવાનોએ બન્ને યુવાનોના ઘરે જઈ પરિવારોને સાંત્વના આપી હતી. અને મૌન પાળી મૃતકની આત્માની શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. ત્યારે સમગ્ર આદિવાસી સમાજ રાજકીય પક્ષાપક્ષી થી દુર રહી પીડિત પરિવારોને ન્યાય આપવા એકજુથ થઈને આવતીકાલે સોમવારે ડાંગ બંધનું એલાન કરવામાં આવ્યું છે.આ મામલે ભાજપના માજી પ્રમુખ બાબુરાવભાઇ ચોર્યા સહિત આહવા નગરના યુવા સરપંચ હરિરામભાઈ સાવંતે પણ મૃતક યુવાનોના સમર્થનમાં વેપારીઓને બંધમાં સામેલ કરવા આહવાન કર્યું છે. ત્યારે સોમવારે ડાંગ બંધને કેવો પ્રતિસાધ મળે છે તે જોવું રહ્યું.

(12:05 am IST)