Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

વડોદરા સેન્ટ્રલ જેલમાં કોરોના વિસ્ફોટ : એક સાથે 18 કેદીઓ કોરોનાની ઝપટે

દર્દીઓનાં સંપર્કમાં આવેલા અન્ય કર્મીઓ ક્વૉરન્ટાઇન કરાશે

વડોદરાઃ રાજ્યમાં સતત કોરોના સંક્રમિત કેસોની સંખ્યા વધતી જાય છે હવે વડોદરામાં કોરોના સંક્રમણ છેક સેન્ટ્ર્લ જેલ સુધી પહોંચી ગયું છે. સેન્ટ્રલ જેલમાં 18 કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં પાકા કામનાં 17 કેદીઓ સહિત 18 કેદીઓ કોરોના સંક્રમિત થયાં છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4102 થઇ ગઇ છે. ગઇ કાલ સુધીમાં 45 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં અને કુલ સ્વસ્થ થયેલાં દર્દીનો આંક 3233 એ પહોંચી ગયો છે. જ્યારે વધુ બે દર્દીઓનાં મોત થતાં કુલ મૃત્યુઆંક 70 થઇ ગયો છે.

જેલમાં એક સાથે 18 દર્દીઓ કોરોના સંક્રમિત થતાં જેલનાં સત્તાધીશોએ કાળજીનાં ભાગરૂપે કોરોનાથી રક્ષણ મેળવવાનાં પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત દર્દીઓનાં સંપર્કમાં આવેલા જેલનાં અન્ય કર્મીઓને પણ ક્વૉરન્ટાઇન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે દર 3 દિવસે દેશમાં 1 લાખ જેટલાં નવા કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે એવામાં ગુજરાતમાં છેલ્લાં સતત 4 દિવસથી કોરોનાનાં કેસ 1 હજારને પાર નોંધાઇ રહ્યાં છે. ત્યારે ગઇ કાલે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં 1081 કેસ નોંધાયા હતાં.

રાજ્યમાં કોરોનાનાં 1081 કેસ નોંધાતા કુલ આંકડો 54,712 એ પહોંચી ગયો હતો. જ્યારે 782 દર્દીઓ સ્વસ્થ થતાં કુલ 39,612 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોનાએ ગઇ કાલ સાંજ સુધીમાં 22 દર્દીનો ભોગ લીધો હતો. જ્યારે ગઇ કાલનાં આંકડા અનુસાર 2305 દર્દીઓનાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે.

(5:35 pm IST)