Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

રાધનપુરના ધારાસભ્ય રઘુભાઇ દેસાઈને કોરોના : પાટણ જિલ્લામાં વધુ 21 કેસ પોઝીટીવ : કુલ આંક 600 પહોંચ્યો

તમામ દર્દીઓના એકદમ નજીક અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ

પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતું જાય છે  આજેપણ 21 કેસ સામે આવ્યા છે. રાધનપુરના ધારાસભ્યનો પણ અમદાવાદમાં કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આજે સાંજે જીલ્લામાં 21 કેસ નોંધાતા જીલ્લાનો કુલ આંક 600 પહોંચી છે. આજે સૌથી વધુ કેસ પાટણ અને ચાણસ્મા તાલુકામાં નોંધાતા કોરોના સંક્રમણ બેકાબૂ બન્યુ હોવાનું સ્પષ્ટ થયુ છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા તમામ દર્દીઓને સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં કોરોના પોઝિટીવનો કુલ આંક 600 પહોંચ્યો છે. આજે જીલ્લામાં એકસાથે કોરોના વાયરસના નવા 21 દર્દી ઉમેરાયા છે. આ 21 સિવાય રાધનપુરના કોંગ્રેસી ધારાસભ્ય રઘુભાઇ દેસાઇનો અમદાવાદમાં કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન લગત આજે નોંધાયેલા તમામ દર્દીઓના એકદમ નજીક અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

પાટણમાં આજે નવા 21 દર્દીઓમાં પાટણ શહેરમાં 3, તાલુકાના નોરતામાં 3 અને બાલીસણામાં 1, ચાણસ્મા શહેરમાં 1, તાલુકાના ધીણોજમાં 3, મીઠીવાવડીમાં 1, બ્રાહ્મણવાડામાં 1, સિધ્ધપુર શહેરમાં 2, રાધનુપર શહેરમાં 4, સમીના ગુજરવાડામાં 1, હારીજના એકલવામાં 1 મળી નવા 21 દર્દીઓનો ઉમેરો થયો છે. હવે આ મહામારીથી બચવા લોકોને જ સતર્ક બનવું પડશે તે ચોક્કસ છે. પાટણ જિલ્લામાં જે રીતે કોરોના કહેર વ્યાપી રહ્યો છે તે જોતા સમગ્ર જિલ્લામાં ફરી લોકડાઉન કરાશે તેવુ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.

(10:10 pm IST)