Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

અમદાવાદ સાબરમતી જેલમાં મોબાઇલ-તમાકુની 11 પડીકી સાથે એસઆરપી જવાન ઝડપાયો

જડતી રૂમમાં એસઆરપી જવાને પીઠ પર સેલોટેપથી ચોંટાડી છુપાવેલો મોબાઈલ ફોન અને તમાકુની 11 પડીકી મળી

અમદાવાદઃ સાબરમતી સેન્ટ્રલ જેલમાં એસઆરપી જવાન મોબાઈલ ફોન અને તમાકુની પડીકી લઈ જતાં ઝડપાયો હતો. જેલની સંવેદનશીલ ગણાતી 200 ખોલી બેરેક જયાં સિરિયલ બ્લાસ્ટનાં આતંકીઓને રાખવામાં આવ્યાં છે. તે બેરેકમાં જવાન 5 દિવસથી ફરજ બજાવતો હતો. જો કે જેલનાં જડતી રૂમમાં એસઆરપી જવાને પીઠ પર સેલોટેપથી ચોંટાડી છુપાવેલો મોબાઈલ ફોન અને તમાકુની 11 પડીકી મળી આવી હતી. 2008 સિરિયલ બ્લાસ્ટનાં આતંકીઓને સાબરમતી જેલની 200 ખોલીમાં રાખવામાં આવ્યાં છે.

બોમ્બ બ્લાસ્ટનાં આરોપીઓને રાખવામાં આવ્યાં હોવાથી આ બેરેક સંવેદનશીલ ગણાય છે. શુક્રવારે સાંજે એસઆરપી ગ્રુપ સી ગોધરાના જવાન તેજપાલસિંહ વિજયસિંહ સોલંકીની નાઈટ શિફ્ટ હોવાથી તેઓ નોકરી પર આવ્યા હતા. તેજપાલસિંહ છેલ્લા 5 દિવસથી 200 ખોલી યાર્ડ 22માં ફરજ બજાવતા હતા.

ફરજ પર આવેલા તેજપાલસિંહનું જેલ વિભાગ 11 જડતી રૂમમાં ફરજ પર હાજર જેલ સિપાઈ મહેશભાઈ તાજસિંહભાઈ ડામોરે તલાશી હતી. તેજપાલસિંહ પીઠના ભાગે સેલોટપથી ચોંટાડેલો રેડમી કંપનીનો એન્ડ્રોઇડ ફોન મળી આવ્યો હતો. તેજપાલસિંહના પેન્ટનાં ખિસ્સામાંથી 11 બુધાલાલ તમાકુની પડીકી મળી આવી હતી.

 

બનાવને પગલે સાબરમતી જેલના જેલર સુરેન્દ્રસિંહ ફતેસિંહ કુંપાવતએ રાણીપ પોલીસ સ્ટેશનમાં આરોપી એસઆરપી પોલીસ કોન્સ્ટેબલ તેજપાલસિંહ વિરુધ્ધ ફરિયાદ કરી હતી. રાણીપ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી રૂ.8 હજારનો મોબાઈલ ફોન અને તમાકુની પડીકીઓ જમા લઈ તપાસ હાથ ધરી છે.

સાબરમતી જેલમાં સંવેદનશીલ 200 ખોલી સુધી પહોંચવા માટે બે જડતી પોઇન્ટ છે.તેજપાલસિંહ પહેલા જડતી પોઇન્ટ પર પકડાયો હતો. તેજપાલસિંહ જો આ પહેલા જડતી પોઇન્ટ પરથી નીકળવામાં કદાચ સફળ થયો હોત તો 200 ખોલીને સ્વતંત્ર જડતી પોઇન્ટ પરથી પ્રતિબંધિત વસ્તુઓ લઈ જઈ શક્યો ના હોત.

200 ખોલીમાં ખતરનાક અને કુખ્યાત ગણાતા સિરિયલ બ્લાસ્ટનાં આતંકીઓને રાખવામાં આવ્યા છે. જેમાં સાબરમતી જેલમાં સુરંગ ખોદી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીઓનો સમાવેશ થાય છે. પૂછપરછમાં આરોપીએ મોબાઈલ ફોન પાકા કામના કેદીને આપવા માટે લાવ્યો હોવાનું અને તમાકુની પડીકી પોતાની હોવાનું જણાવ્યું છે. જો કે પોલીસને આ વાત ગળે ઉતરતી નથી.

(10:18 am IST)