Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

રાજ્યમાં પ્રથમ વખત રાજકોટમાં ‘નોઝ થ્રુ સ્કલ’ સર્જરીના વર્કશોપમાં "ન્યુરો નેવિગેશન સિસ્ટમ"નો કરાયો ઉપયોગ

મુંબઈના ખ્યાતનામ સર્જન ડો. જયશંકર નારાયણ દ્વારા કેડએવર ઉપર ‘બેઝિક ટુ એડવાન્સ સર્જરી’ ના લાઈવ પ્રસારણ દ્વારા ડોક્ટર્સને માર્ગદર્શન અપાયું

રાજકોટ :ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી. વિભાગમાં તેમજ ઈ.એન.ટી. સોસાયટીના ઉપક્રમે 'ન્યુરો નેવિગેશન સિસ્ટમ' વડે 'નોઝ ટુ સ્કલ' સર્જરીનો હેન્ડસ ઓન વર્કશોપ યોજાયો હતો. જેમાં મુંબઈના ખ્યાતનામ સર્જન ડો. જયશંકર નારાયણ દ્વારા કેડએવર ઉપર ‘બેઝિક ટુ એડવાન્સ સર્જરી’ ના લાઈવ પ્રસારણ દ્વારા ડોક્ટર્સને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સર્જરી માટે આશીર્વાદ સમાન નવી ટેક્નોલોજી "ન્યુરો નેવિગેશન સિસ્ટમ"નો ઉપયોગ કરી માત્ર ટાર્ગેટ ટ્યૂમરને અન્ય કોઈ સેન્સેટિવ નર્વ કે ગ્લેન્ડને ટચ કર્યા વગર સેઈફ સર્જરી અંગેનુ નિદર્શન કરવામાં આવ્યું હતું, ઓપરેશન થીએટરમાંથી આ સર્જરીનું લાઈવ પ્રસારણ રાજકોટના ઈ.એન.ટી. સર્જન્સ અને રેસિડન્ટ ડોક્ટર્સની ટીમે નિહાળ્યું હતું.

આ અંગે વર્કશોપના આયોજનકર્તા ડો. યશ પંડ્યાએ જણાવ્યું હતું કે, નાક વાટે મગજના તાળવાના ભાગે કોઈ સર્જરી કરવી અત્યંત જટિલ હોય છે. જેમાં અનેક સેન્સીટિવ નર્વઝ, ધમની અને ગ્લેન્ડ્સ હોય છે. જે ખુબ જ સૂક્ષ્મ હોવાથી સર્જરી દરમ્યાન તે ભાગને ટચ કર્યા વગર કેન્સર કે અન્ય ગાંઠ દૂર કરવા આ સિસ્ટમનો ઉપયોગ થાય છે. હવેના સમયમાં નાકના દ્વારથી કોઈ પણ રિસ્ક વગર સર્જરી આવા ઉપકરણોના કારણે શક્ય બનશે. જે આવનારા સમયમાં રાજકોટમાં પણ શક્ય બનશે.

ઈ.એન.ટી. સોસાયટીના યુવા પ્રમુખ ડો. નીરવ મોદીએ જણાવ્યું હતું કે, મોં, નાક, ગળાના કેન્સર, આંખની નીચે કે મગજના તાળવે થતી ગાંઠો, સાયનસ, કાનના પડદાની સર્જરી વગેરેમાં નોઝ થ્રુ સર્જરી આ સિસ્ટમથી વધુ સારી રીતે કરી શકાશે. જો કે આ સર્જરીમાં ન્યુરો સર્જન પણ સાથે રાખવા જરૂરી છે. રાજકોટ સિવિલમાં આ વર્કશોપ રાખવા પાછળનો ઉદેશ્ય સ્પષ્ટ કરતાં ડો. મોદીએ જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગમાં અત્યાધુનિક સાધનો - ડોક્ટર્સની ટીમ કોઈ પણ પ્રકારના ઓપરેશન કરવા સક્ષમ છે, જે આપણે કોરોના બાદ થયેલા મ્યુકર માઇકોસિસ રોગની સર્જરીમાં જોયું છે. આ કારણે જરૂરિયાતમંદ દર્દીઓને અમે સિવિલમાં સર્જરી કરાવવા માટે ખાસ ભાર મુકતા હોઈએ છીએ.

સિવિલના ઈ.એન.ટી. સર્જન ડો. સેજલ મિસ્ત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, આ વર્કશોપ મુંબઈમાં નાણાવટી, લીલાવતી, હિન્દુજા સહિતની હોસ્પિટલમાં સેવા આપતા તજજ્ઞ ડો. જયનારાયણે લાઈવ સર્જરી દ્વારા અમારી સિવિલની ટીમ, રેસિડન્ટ ડોક્ટર્સને આ હેન્ડ્સ ઓન વર્કશોપથી ઘણું ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ ઉપરાંત રવિવારે કાનની એડવાન્સ સર્જરી અંગે એક સેમિનાર ડો. જયશંકર નારાયણ અને હરિયાણાના ડો. માધુરી મહેતાના માર્ગદર્શન હેઠળ યોજાવાનો છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ડોક્ટર્સ ભાગ લેવાના છે.

બેંગલોરની એચ.આર.એસ. કંપની દ્વારા સંપૂર્ણ સ્વદેશી ન્યુરો નેવિગેશન સિસ્ટમ ડીવાઈસ તૈયાર કરવામાં આવ્યું છે. જેનો ખર્ચ લગભગ એક કરોડ જેટલો થતો હોય છે.

આ સિસ્ટમ સીટી સ્કેન કે એમ.આર.આઈ. ના ડેટાને કમ્પ્યુટરમાં ફિડ કરી જે પાર્ટની સર્જરી કરવાની હોય તેને સ્પોટ કરવામાં આવે છે. જે રીતે જી.પી.એસ. સિસ્ટમ વર્ક કરે તે જ રીતે ડોક્ટર્સને સર્જરી દરમ્યાન આ નેવિગેશન સિસ્ટમ સ્પોટ સુધી પહોંચવામાં મદદરૂપ બને છે. રાજકોટ ઈ.એન.ટી. વિભાગ ખાતે આયોજિત આ વર્કશોપમાં 150 થી વધુ ડોક્ટર્સે એડવાન્સ સર્જરી અંગે માર્ગદર્શન મેળવ્યુ હતું. વર્કશોપને સફળ બનાવવા ફોરેન્સિક મેડિસિનના હેડ ડો. રાજેશ કિયાડા, RMO ડો. મહેન્દ્ર ચાવડા અને સમગ્ર મેડિકલ સ્ટાફનો સહયોગ મળ્યો હતો.

(7:15 pm IST)