Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

ગાંધીનગરના ખ રોડ પર મોડી રાતે મિત્રની બર્થડે પાર્ટી ઉજવવા ગયેલા બે મિત્રોને કાળુરૂપી ટ્રેલરે હડફેટે લેતા તેઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત

ગાંધીનગર :ગાંધીનગરના ખ રોડ પર મોડી રાતે એક્ટીવા ચાલકોને અકસ્માત નડયો હતો. મોડી રાત્રે ખ રોડ પર સરગાસણથી મહાત્મા મંદિર તરફ જતા ટ્રેલર ચાલકે તેમની એક્ટિવાને ટક્કર મારી હતી. બંને મિત્રો અન્ય મિત્રની બર્થડે પાર્ટી ઉજવણીને પરત ફરી રહ્યા હતા, ત્યારે અકસ્માત નડ્યો હતો. 108 ટીમે બંને મિત્રોને ધટના સ્થળે મૃત જાહેર કર્યા હતા.

ગાંધીનગરમાં રહેતા ભાર્ગવ ચૌહાણ અને જૈનિલ ચાવડા મોડી રાત્રે પોતાના અન્ય એક મિત્રની બર્થડે પાર્ટી હોઈ સરગાસણ ગયા હતા. ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે ખ રોડ પરથી પસાર થતી લેવા પ્રમુખ નગર ચાર રસ્તા પાસે ટ્રેલરના ચાલકે પોતાનું ટ્રેલર પૂરપાટ ઝડપે હંકારીને એક્ટિવાને ટક્કર મારી હતી. ટ્રેલર ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ભાગી ગયો હતો. પરંતુ જૈનિલ અને ભાર્ગવ રોડ પર પટકાયા હતા. બંનેને એટલી ગંભીર ઈજાઓ થઈ હતી કે, ઘટના સ્થળ પર જ તેમના પ્રાણ ગયા હતા.

ઘટના બાદ સેક્ટર 7 પોલીસ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં તેની પાસેથી કોલેજ બેગ મળી હતી. પરંતુ તેમાંથી તેમની ઓળખ થાય તેવી કોઈ માહિતી મળી ન હતી. પરંતુ બંનેનો મોબાઈલ મળી આવ્યો હતો. મોબાઈલ લોક હોવાથી પોલીસ માટે મોટો કોયડો હતો. આખરે પોલીસે મૃત યુવાનની ફિંગર પ્રિન્ટથી મોબાઇલનુ લોક ઓપન કર્યુ હતું. જેથી યુવકો અને તેમના પરિવારની માહિતી મળી હતી.

સેક્ટર - 22 પ્લોટ નંબર 1064માં રહેતાં હર્ષદભાઈ ચૌહાણ પ્રિન્ટીંગ પ્રેસનો ધંધો કરે છે. તેમનો 22 વર્ષીય પુત્ર ભાર્ગવ કોલેજ પૂર્ણ કર્યા પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો હતો. જ્યારે કે જૈનિલના પિતા શૈલેન્દ્રસિંહ ચાવડા એસઆરપી ગૃપ-12માં ફરજ બજાવે છે. એક મિત્રની બર્થડે પાર્ટી હોઈ ભાર્ગવ અને જૈનીલ એક્ટિવા લઈને બર્થડે પાર્ટી ઉજવવા માટે સરગાસણ ગયા હતા.

ગાંધીનગર પોલીસે ટ્રેલરના ચાલકને ઝડપી લેવા પણ તજવીજ હાથ ધરી છે. ટ્રેલર સરગાસણ થી મહાત્મા મંદિર તરફ ગયું હોવાનું જાણવા મળ્યું હતું.

(3:01 pm IST)