Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

વટવામાં બે ભાઈઓ પર છરીના ઘા ઝીક્યા : એકનું મોત : પાંચ શખ્શોએ નજીવી તકરારમાં જીવલેણ હુમલો કર્યો

વટવા પોલીસે પાંચ શખ્સોના વિરુદ્ધમાં હત્યા સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો: આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા

વટવા વિસ્તારમાં નજીવી તકરારમાં પાંચ શખ્સોએ બે ભાઈઓને ગુલમોહર તળાવ પાસે લઈ જઈ અનેક છરીના ઘા માર્યા હતા. જેમાં એક ભાઈનું મોત નીપજ્યું હતુ જ્યારે બીજા ભાઈને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે વટવા પોલીસે પાંચ શખ્સોના વિરુદ્ધમાં હત્યા સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

વટવાના સૈયદવાડી વિસ્તારમાં ઓરડી હાજીસાહેબની ચાલીમાં રહેતા રિયાઝ શેખે ફરિયાદ કરી હતી કે,ગત શુક્રવારે મોડી રાતે તેમના ભાઇ અસ્પાક, મિત્ર ઇરફાન ઉર્ફે સતુ તથા સાહનબાઝ ઉર્ફે માનસીક ચારેય લોકો રાજા બેકરી પાસે રીક્ષામાં બેઠા હતા. આ દરમિયાન શાકરી ઉર્ફે કચ્છુ શેખ, અબ્દુલ પઠાણ તથા ઇમરાન ઉર્ફે બોડો રીક્ષા લઇને ત્યાં આવ્યા હતા. રઝાકે રીક્ષામાં બેઠેલા યુવકોને કહ્યું કે, જેણે પણ મારો ફોન લીધો હોય તે આપી દે. જેથી યુવકોએ કહ્યું કે અમે કોઇનો ફોન લીધો નથી.

ત્યાર બાદ ફૈઝાન, ઈમરાન શેખ, અબ્દુલ પઠાણ, સરફારજ અને સાકીરે રિયાઝ અને મોહમદ અસ્પાકને રીક્ષામાં બેસાડી ગુલમોહર તવા પાસે લઇ ગયા હતા. જ્યાં શાકીર ઉર્ફે કચ્છુ અને સરફરાજે ઝઘડો કરીને રિયાઝ શેખને છરીના ઘા માર્યા હતા. અબ્દુલ રઝાકે બેઝબોલનો દંડો માથાના ભાગે માર્યો હતો. આ પાંચેય રિયાઝ શેખના ભાઇ અસ્પાકને બાઇક પાછળ બેસાડી મસ્જિદ પાસે લઇ ગયા હતા. જ્યાં મોહમદ અસ્પાકને ઉપરા છાપરી છરીના ઘા મારી ભાગી ગયા હતા.

આસપાસના લોકોએ અસ્પાક તથા તેના ભાઈ રિયાઝ શેખને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અસ્પાકનું મોત નિપજ્યું હતું અને રિયાઝની સારવાર ચાલી રહી હતી. આ અંગે વટવા પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં રિયાઝ શેખે ફૈઝાન, ઇમરાન શેખ, અબ્દુલ રઝાક પઠાણ, સરફરાજ મીયાણ અને સાકીર શેખ ના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.

(10:09 pm IST)