Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

અમદાવાદ : ત્રણ મહિલાઓ કંપનીમાં કરતી ચોરી: બે મહિલાએ પૈસા માટે દબાણ કરતા આપઘાતનો પ્રયાસ

ચોરી પકડાઈ જતા અન્ય બે મહિલાએ શેઠને નુકશાનના પૈસા અમને આપી દે અમે શેઠને પૈસા ભરી દઈશું તેમ જણાવી સતત દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ એસિડ પી લીધું

અમદાવાદ: ઈસનપુરમાં રહેતી અને દાણીલીમડાની બબલબી એક્ષ્પોર્ટ હાઉસ નામની કંપનીમાં કચરા પોતા કરતી મહિલાને તેની સાથે કામ કરતી બે મહિલાઓ અવાર નવાર પૈસા બાબતે દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતી હતી. જેથી તંગ આવીને મહિલાએ બાથરૂમ સાફ કરવાનું એસિડ પી લીધુ હતુ. જેથી મહિલાને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. આ અંગે દાણીલીમડા પોલીસે બે મહિલાઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો.

ઈસનપુરમાં રહેતા અને દાણીલીમડાના અલહબીબ એસ્ટેટમાં આવેલ બબલબી એક્ષ્પોર્ટ હાઉસ નામની કંપનીમાં કચરા પોતા કરવાની નોકરી કરતા અંજનાબેનને આર્થિક તંગી હોવાથી મધુબહેન અને રમીલાબેન ભેગા મળીને ત્રણેય બહેનો કંપનીમાંથી ચોરી છુપેથી કંપનીમાં બનતા કાચા કાપડની તથા કુર્તીની ચોરી કરતા હતા. જો કે તેઓ એક વખત ચોરી કરતા પકડાઈ ગયા હતા. જો કે કંપનીના શેઠ મુર્તુજાભાઈ સામે માફી માંગતા પોલીસ ફરિયાદ કરી ન હતી.

બાદમાં મધુબહેન અને રમીલાબેન અંજનાબહેન ને શેઠને થયેલ નુકશાનના પૈસા અમને આપી દે અમે શેઠને પૈસા ભરી દઈશું તેમ જણાવી બળજબરી પૂર્વક પૈસા કઢાવી લેવાનું સતત દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જો કે આવી ધમકીથી તંગ આવી અંજનાબહેને કંપનિમાં જ બાથરૂમ સાફ કરવાનું એસિડ પી લીધુ હતુ. કંપનીમાં હાજર કારીગરોને જાણ થતા અંજનાબહેનને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ અંગે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(9:37 pm IST)