Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મણિનગરની શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોની ઉપસ્થિતિમાં માનવસેવા અભિયાન દ્વારા શેઠ એચ. એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ , બોડેલી જરુરીયાતમંદ બહેનોને સિવણ સંચા વિતરણ...

મણિનગરની શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આદ્ય સ્થાપક શ્રી મુક્તજીવન સ્વામીબાપાના ઉત્તરાધિકારી પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની સ્મૃતિમાં પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીની પ્રેરણાથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મુકામે માનવ સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થા દ્વારા વિધવા, ગરીબ, નિ:સહાય, ત્યકતા બહેનો પગભર થઈ શકે તે હેતુથી ૩૦ સિવણના સંચાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્રામ જાદવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ જે.બી. સોલંકી ઉપસ્થિત રહ્યાં હતા.

તારીખ: ૨૬/૦૬/૨૦૨૧ના રોજ શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ, બોડેલીમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર - અમદાવાદ માનવ સેવા અભિયાન દ્વારા સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. 

શ્રી સ્વામિનારાયણ સંસ્થા મણિનગરથી ઉપસ્થિત મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, શ્રી સર્વગુણાલયદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા શ્રી સ્વામિનારાયણ મંદિર, વડોદરાથી મહંત શ્રી હરિકેશવદાસજી સ્વામી, શ્રી ધર્માત્મપ્રિયદાસજી સ્વામી, સનાતનસ્વરૂપદાસજી સ્વામીને શાળાના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા પુષ્પહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ નાયબ કલેકટરશ્રી ઉમેશભાઈ શાહ સાહેબ, જે. બી. સોલંકી સાહેબશ્રી તથા કોરોના વોરિયર્સ તરીકે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ શાળાના આચાર્યશ્રી જે. આર. શાહ સાહેબને પણ સંતો તથા શાળાના 

કમિટીશ્રીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નાયબ કલેકટરશ્રી એ જણાવ્યું હતું કે, આજના કોવિડ-19 જેવી મહામારીમાં દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જોઇએ તેમ જણાવ્યું હતું અને શાળાના આચાર્યશ્રી જે. આર. શાહ સાહેબે પણ કોરોના મહામારીને રોકવા તમામ સહયોગ આપવા જણાવ્યું હતું.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી ઉપસ્થિત જે. બી. સોલંકી સાહેબે માનવ સેવાનું મહત્વ સમજાવ્યું હતું. અને તેઓ તરફથી આર્થિક રીતે પછાત મહિલાઓને ૩૦ સિલાઈ સંચા અર્પણ કર્યા હતા. આર્થિક રીતે પછાત મહિલાઓ પણ સમાજ સાથે ખભે-ખભા મિલાવીને ચાલી શકે તેવા હેતુસર આ સંસ્થાન નિરાધાર લોકોને માનવ સેવાનું કાર્ય કરે છે. તેમજ ઉપસ્થિત સંતોએ પણ માનવ સેવાની હાકલ કરી હતી. વધુમાં મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, સમાજમાં કોઈ નાત જાત હોવી જોઈએ નહિ. સૌએ માનવસેવા કરવી જોઈએ.

 ત્યારબાદ કાર્યક્રમની આભારવિધિ શાળાના ટ્રસ્ટીશ્રી રજનીભાઈ ગાંધી સાહેબે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.

(6:10 pm IST)