Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

અમદાવાદના મધ્યઝોનમાં મનપાની બેદરકારીથી પ્રદુષિત પાણીની સમસ્યા ગંભીર બનતા પોળના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા

અમદાવાદ: શહેરના મધ્યઝોનમાં આવેલા રીલીફ રોડ ઉપર આવેલી પોળોમાં છેલ્લા પંદર દિવસથી મ્યુનિસિપલ તંત્રની બેદરકારીથી પ્રદૂષિત પાણીની સમસ્યા ગંભીર બનતા પોળના રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવતા પાણીમાં કલોરીનનો રીપોર્ટ નીલ આવ્યો હોવાની વિગત બહાર આવવા પામી છે.

આ અંગે ખાડિયાના પૂર્વ કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટની મળેલી પ્રતિક્રીયા મુજબ,રીલીફ રોડ ઉપર આવેલી ધનાસુથારની પોળ ઉપરાંત હાજા પટેલની પોળ,ઝવેરીવાડ સહીતની અનેક પોળોમાં છેલ્લા પંદર દિવસથી પ્રદૂષિત પાણી આવવા અંગેની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે.આ અંગે મ્યુનિ.ના મધ્ય ઝોન ઈજનેર વિભાગમાં જાણ કરવામાં આવતા એક દિવસ પાણી સારુ આવે ફરી પાછી એની એજ પરિસ્થિતિ જોવા મળતા પોળોના રહીશો પ્રદૂષિત પાણીને લઈને ત્રસ્ત બની ગયા છે.જે પોળોમાં પ્રદૂષિત પાણી આવવાની ફરીયાદ હતી એ પોળોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવતા એના સેમ્પલ રીપોર્ટમાં કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે.સ્માર્ટ સીટીની દુહાઈ દેતા મ્યુનિસિપલ તંત્રમાં પંદર દિવસથી પોળના રહીશો દ્વારા પ્રદૂષિત પાણી આવવા અંગેની  ફરીયાદો કરવામાં આવે છે.આમ છતાં તંત્રના અધિકારીઓ પંદર દિવસથી પોલ્યુશનનું સેન્ટર શોધી શકયા નથી.રતનપોળના નાકે  રીલીફ રોડ તરફના રસ્તા ઉપર પંદર દિવસથી કામગીરી ચાલી રહી છે.પણ કામ પુરુ થતુ નથી અને પોળોમાં વાસ મારતુ પાણી આવી રહ્યુ છે.

(5:06 pm IST)