Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

મહેસાણા-અમદાવાદ હાઇવે નજીકથી બાતમીના આધારે રાજસ્થાનની ટ્રક પકડી સિમેન્ટની આડમાં લઇ જવાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે અડાલજ પોલીસે મહેસાણા-અમદાવાદ હાઈવે ઉપર ઝુંડાલ પાસેથી બાતમીના આધારે રાજસ્થાનની ટ્રક પકડી હતી જેમાં સિમેન્ટની આડમાં લઈ જવાતી વિદેશી દારૃની ર૪૦૦ બોટલ મળી આવી હતી. ડ્રાઈવરની ધરપકડ કરીને દારૃટ્રક અને સિમેન્ટ મળી ૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ દારૃ કયાં આપવાનો હતો તે જાણવા માટે વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.  

રાજયમાં દારૃબંધી હોવા છતાં બુટલેગરો યેનકેન પ્રકારે દારૃ ઘુસાડવા માટે મથી રહયા છે. તેની સામે પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરી દારૃની હેરાફેરી અટકાવવા અને દારૃ ભરેલા વાહનો પકડવા માટે દોડી રહી છે. ગાંધીનગર જિલ્લામાં પણ હાલ પ્રોહીબીશન ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે અડાલજ પોલીસ ઈન્સ્પેકટર જે.એચ.સિંઘવે સ્ટાફના માણસોને એલર્ટ રહી વિસ્તારમાંથી દારૃની હેરાફેરી પકડવા તાકીદ કરી હતી. જેના અનુસંધાને પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેકો.ગજેન્દ્રસિંહને બાતમી મળી હતી કે આરજે-૦૯-જીસી-૧૬૮૩ નંબરના ટ્રકમાં સિમેન્ટ પાવડરની આડશમાં વિદેશી દારૃનો જથ્થો લઈ જવાઈ રહયો છે. જે બાતમીના પગલે ઝુંડાલ પાસે આ ટ્રકને ઝડપી લીધી હતી અને તેમાં સવાર ચાલકનું નામ પુછતાં રાજુનાથ મોહનનાથ યોગી રહે.૬,રેબારીઓના મહોલ્લાબોરાનાજિ.ભીલવાડા રાજસ્થાન હોવાનું બહાર આવ્યું હતું. ટ્રકમાં તપાસ કરતાં સિમેન્ટ પાવડરની થેલીઓની પાછળ વિદેશી દારૃની પેટીઓ મળી આવી હતી. જેમાં ર૪૦૦ જેટલી બોટલ જપ્ત કરવામાં આવી હતી. સિમેન્ટટ્રક અને દારૃ મળી પોલીસે ૧૮.૨ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ દારૃનો જથ્થો કયાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે પોલીસે મથામણ શરૃ કરી છે. 

(4:59 pm IST)