Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ગાંધીનગરમાં ખ સર્કલ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલ વાહનચાલકે આધેડને હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત

ગાંધીનગર:શહેરમાં છેલ્લા થોડા સમયથી અકસ્માતની ઘટનાઓ વધી છે અને તેમાં પણ ખાસ કરીને હીટ એન્ડ રનની ઘટનાઓએ માથું ઉંચકયું છે ત્યારે ગઈકાલે રાત્રે શહેરના ખ-માર્ગ ઉપર આવી જ એક હીટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. ખ-૧થી ખ-૦ તરફ જવાના માર્ગ ઉપર સૌદર્ય ૪૪૪ સોસાયટીની સામે ચાલતા જઈ રહેલા આધેડને પુરઝડપે પસાર થતાં એક વાહનચાલકે અડફેટે લીધા હતા અને શરીરે ગંભીર ઈજાઓના કારણે આ આધેડનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. અકસ્માત સર્જીને વાહનચાલક ત્યાંથી નાસી છુટયો હતો. જે ઘટનાના પગલે આસપાસના લોકો એકઠાં થઈ ગયા હતા અને આ અંગે સે-૭ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ મોકલી આપી તેની ઓળખ માટે મથામણ શરૃ કરી હતી. અકસ્માત સર્જીને ફરાર થયેલા વાહનચાલક સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ આદરવામાં આવી છે. આ માર્ગ ઉપર લાગેલા સીસીટીવી ફુટેજના આધારે પણ પોલીસે તપાસ શરૃ કરી છે. નોંધવું રહેશે કે હીટ એન્ડ રનની વધતી ઘટનાઓ છતાં અકસ્માત સર્જીને ફરાર થઈ જતાં વાહનચાલકોને શોધવામાં આળસ દાખવવામાં આવી રહી છે. હીટ એન્ડ રનના ઘણા ગુનાઓ પોલીસ ચોપડે વણઉકેલ્યા જ રહેવા પામ્યા છે. 

(4:57 pm IST)