Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

સુરતના પલસાણા-કંડોદરા હાઇવે ઉપર જે.ડી. રેસ્ટોરન્ટમાં ધોળા દિવસે ફાયરીંગઃ ૫ થી ૬ ગાડીમાં આવેલા ૨૦ થી ૩૦ શખસોનું જુની અદાવતના ખારમાં કારસ્તાનઃ હોટલમાં તોડફોડ

સુરત: શહેરમાં અસામાજિક તત્વો બેફામ થઇ ચુક્યાં છે. કાયદો અને વ્યવસ્થા જાણે તળીયે પહોંચી હોય અને પોલીસનો કોઇ પ્રકારનો ભય જ ન હોય તે પ્રકારે ધોળા દિવસે અસામાજીક તત્વો દ્વારા હોટલમાં તોડફોડ કરવામાં આવી હતી. લાકડી, પાઇપ, તલવાર જેવા ઘાતક હથિયારો વડે હૂમલો કર્યો હતો. 50થી 60 હજાર રૂપિયા રોકડા અને સોનાની ચેઇન સહિત ત્રણ મોબાઇલની પણ લૂંટ ચલાવી હતી. હોટલ પર છથી વધારે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.

ઘટના બાદ કડોદરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચીને ગયો હતો. એક અંદાજ અનુસાર બે દિવસ પહેલા થયેલા વિવાદનાં કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો. સુરતના પલસાણા-કડોદરા હાઇવે પર જે.ડી રેસ્ટોરન્ટ આવેલી છે. આ રેસ્ટોરન્ટમાં ધોળા દિવસે 5થી 6 ગાડીઓ ભરીને 20-25 જેટલા અસામાજિક તત્વો આવી પહોંચ્યા હતા.

આ ઉપરાંત પથ્થરોથી પણ હોટલનાં કાચ તોડ્યાં હતા. ફૂલના છોડના કુંડાઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું. અસામાજીક તત્વોના ટોળાએ થોડા સમય માટે આખી હોટલ બાનમાં લીધી હતી અને હોટલને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. હોટલના કેશ કાઉન્ટરમાં રહેલા 50-60 હજાર રૂપિયા રોકડા, હોટલ માલિકના પાર્ટનરની સોનાની ચેઇન અને ત્રણ મોબાઇલની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત હોટલ પર 6થી વધારે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

હોટલ માલિક દિલીપસિંહ રાજપુતના અનુસાર બે દિવસ પહેલા ધવલ અકબરી નામનો યુવક 18 વર્ષથી નીચેનો હોવા છતા છોકરી લઇને આવ્યો હતો. હોટલમાં રૂમ માંગી રહ્યો હતો. 18 વર્ષથી નીચેનો હોવાનો અને સાથે યુવતી હોવાથી રૂમ આપ્યો નહોતો. જો કે તે યુવકે ધમકી આપી હતી કે જો રૂમ નહી આપો તો હોટલ નહી ચાલે. ત્યાર બાદ 5થી 6 ગાડીઓ આવી હતી અને હોટલમાં તોડફોડ કરી હતી.

(4:33 pm IST)