Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

સ્પોટ વેકિસનેશન શરૂ થતા વેકિસન ખુટી

રાજયમાં ઠેર-ઠેર વેકિસનની અછતની ફરિયાદો

દૈનિક ૧ લાખ વેકિસનના ટાર્ગેટનો ફિયાસ્કો

અમદાવાદ, તા.૨૬: એકતરફ મોટા પ્રમાણમાં લોકોને વેકસીન લેવા અપીલ, તો બીજી તરફ વેકિસનની અછતના એંધાણ વર્તાઈ રહ્યા છે રાજયામાં ઠેર ઠેર વેકિસનની અછત હોવાની ફરિયાદો સામે આવી છે વેકિસનેશન વેગ પકડતા રોજ મોટી સંખ્યામાં લોકો વેકિસન લેવા માટે આવે છે આવા સમયે વેકિસન ન મળતા લોકોને પરત ફરવુ પડી રહ્યું છે.

આ પૈકી એવા દ્યણા લોકો છે જે રસી માટે તૈયાર થતા ન હતા, કેટલાકને ઓનલાઈન સ્લોટ બુકમાં સમસ્યા નડી રહી હતી. હવે લોકો રસી માટે તૈયાર થતા તેમજ કેમ્પના આયોજન વધારતા રસીકરણ વધ્યું છે હવે જયારે લોકો વેકિસન લેવા આગળ આવી રહ્યા છે ત્યારે તંત્રના ભોગે લોકો પરેશાન થઈ રહ્યા છે રાજયમાં.

રાજય સરકારનો ૫ હજાર વેકિસન સેન્ટરનો દાવો કરી છે ત્યારે માત્ર કોવિન એપ પર માત્ર ૨૭૨૧ કેન્દ્રો જ એકિટવ જોવા મળી રહ્યા છે મોટા શહેરમાં અનેક વેકિસનેશન સેન્ટરો બંધ કરી દેવાયા છે. જો વાત અમદાવાદ શહેરની કરવામાં આવે તો દૈનિક ૩૦ થી ૩૨ હજાર વેકિસન ડોઝ અપાય છે, જયારે રાજય સરકાર દ્વારા રોજ ૧ લાખ વેકિસનના ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જેનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે.

મહત્વનું છે કે ૨૧ જૂનથી વેકિસનનો તમામ જથ્થો કેન્દ્ર સરકાર ફાળવે છે પરતું પૂરતા પ્રમાણમાં વેકિસન ન મળતા હવે વેકિસનના મહાઅભિયાને ફટકો પડ્યો છે, હાલ શહેરી વિસ્તારોમાં દૈનિક વેકિસન ૨૦૦ ડોઝ અપાય છે જયારે ગ્રામ્ય વિસ્તારોમાં દૈનિક ૧૦૦ ડોઝ આપવામાં આવે છે. પરતું જયારે સ્પોટ્  વેકિસનેશન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વેકિસન ખુટી રહી છે જેને લઈ વેકિસન લેવા આવતાન લોકોને પરત ફરવું પડી રહ્યું છે.

રાજકોટની વાત કરવામાં આવે તો દૈનિક ધોરણે રાજકોટમાં ૬૨થી વધુ સાઈટ પર દરરોજ ૧૦ હજાર લોકો રસી લઈ રહ્યા છે. શુક્રવારે બપોર બાદ જયાં સૌથી વધુ રસી અપાઇ છે તેવા મવડી, શાસ્ત્રીમેદાન, સૂચક, નાનામવા અને રામનાથપરાના આરોગ્ય કેન્દ્રોમાં રસી પૂરી થઈ ગઇ હતી અને લોકોને પરત ફરવુ પડ્યુ હતું.  આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે નવા આવેલો સ્ટોક એક જ દિવસ પૂરતો છે અને ફરીથી નવો સ્ટોક માંગવામાં આવશે અને તે પણ નક્કી નથી કે કયારે આવશે. આ તરફ સુરત અને વડોદરામાં પણ કોરોનાની વેકિસનની સર્જાઈ અછત સામે આવી છે વડોદરામાં મહારાણા પ્રતાપ સ્કૂલમાં વેકિસનેશન સેન્ટર બંધ કરવામાં આવ્યું હતું વડોદરામાં વેકિસન સેન્ટર પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા પરતું ૨૬૦માંથી ૧૭૦ વેકિસનેશન સેન્ટર પર કામગીરી જોવા મળી હતી, વડોદરામાં ૨૦૦ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા હતો જયારે માત્ર ૬૦ સેન્ટર પર વેકિસન સેન્ટર ચાલુ રખાયા હતા જો કે ગઈ કાલે રાજય સરકાર તરફથી ૨૫૦૦૦ વેકિસન ડોઝ મળ્યા હતા તો સુરતમાં પણ ૧૦૦ વેકિસન સેન્ટર બંધ કરવાની ફરજ પડી છે વેકિસનનો જથ્થો ઓછો આવતો હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે.વેકિસનની અછતને પગલે અનેક વેકિસન સેન્ટરો પર લાંબી કતારો લાગી રહી છે.

રાજયમાં વેકિસનના મહાઅભિયાનના ઉત્સવમાં વેકિસનની અછતના એંધાણ જોવા મળી રહ્યા છે. તો સંભવિત ત્રીજી લહેરને લઈ અનેક લોકો વેકિસન લેવા આગળ આવી રહ્યા છે ત્યારે બીજી તરફ વેકસીનના જથ્થાની સમસ્યા સર્જાય રહી છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે મહાઅભિયાનને કેવી રીતે સાર્થક કરી શકાશે?

(3:28 pm IST)