Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને દોઢ મહિનો થયો : ગુલ થયેલ વિજળી હજુ આવી નથી

ગાંધીનગર, તા. ર૬ : અરબ સાગરમાંથી ઉઠેલા તૌકતે વાવાઝોડાએ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે તબાહી મચાવી હતી. વાવાઝોડાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને હજારો લોકો બેઘર બન્યા હતા. જોકે, ગુજરાતમાં  વાવાઝોડાને પસાર થયે ૧.૫ મહિનો વીતી ગયો પરંતુ તેની અસર હજું પણ વર્તાઇ રહી છે. પરંતુ આ અસર એવી છે કે, તેને ઓછી કરાઇ શકી હોત જો વિજ કંપનીના કર્મચારીઓએ આળસ કરી ના હોત તો. ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલા નાનકડા દ્વીપ શિયાળ બેટ ખાતે તૌકતે વાવાઝોડાના કારણે અંધારપટ છવાયો હતો અને હજુ પણ સ્થિતિમાં કોઈ જ સુધારો આવ્યો નથી. શિયાળ બેટના લોકો હજુ પણ અંધારામાં જ જીવી રહ્યા છે.

તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્રના કિનારે અથડાયું હતું જેથી અનેક ઘરો તથા વીજળી અને સંચાર લાઈનોને ક્ષતિ પહોંચી હતી. તેના ૧.૫ મહિના બાદ પણ અમરેલી જિલ્લાના પીપાવાવ બંદરેથી થોડે દૂર આવેલા નાનકડા શિયાળ બેટ દ્વીપના આશરે ૬,૦૦૦ રહેવાસીઓ અંધારામાં જીવન વિતાવવા મજબૂર બન્યા છે.

ગત ૧૭ મેના રોજ વાવાઝોડાના કારણે શિયાળ બેટ દ્વીપની વીજ સેવા ખોરવાઈ હતી. વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લાને સૌથી વધારે નુકસાન સહેવું પડ્યું હતું. અમરેલીના આશરે ૬૨૦ કરતા પણ વધારે ગામોને બ્લેકઆઉટનો સામનો કરવો પડ્યો હતો. રાજ્ય સરકારનું સ્વામીત્વ ધરાવતી પીજીવીસીએલ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરી ગુજરાતમાં વીજ સેવા પૂરી પાડે છે. પીજીવીસીએલે બાકીના તમામ ગામોમાં વીજ સેવા પૂર્વવત કરી દીધી છે પરંતુ શિયાળ બેટ દ્વીપ પર રહેતા ૬,૦૦૦ કરતા પણ વધારે લોકો હજુ પણ અંધારામાં જ છે.

શિયાળ બેટ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ હમીર શિયાળે વીજળી ન હોવાના કારણે જીવન ખૂબ જ કઠિન બની ગયું છે તેમ જણાવ્યું હતું. વીજળી ન હોવાના કારણે ઘરો સુધી પીવાનું પાણી નથી પહોંચાડી શકાતું. લોકો પાસે બેટરી અને સોલાર પેનલ્સ છે પરંતુ તે રાતે માંડ ૨ કલાક સુધી કામ આપે છે. શિયાળ બેટ એક એવી જગ્યા છે જ્યાંના લોકો ૨૦૧૬ના વર્ષ સુધી વીજળી વગર જ જીવતા હતા. ૨૦૧૬માં પહેલી વખત ત્યાં વિદ્યુતીકરણ કરવામાં આવ્યું હતું.

(3:27 pm IST)