Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

પોતાની કારમાં જવાના વલણથી લકઝરી કેબ ઉદ્યોગને મુશ્કેલી

ડિઝલના ભાવ વધારાથી બેવડો માર પડ્યો : નફાનો ગાળો ઘટી ગયો : મંદીને કારણે અનેક લોકો કરિયાણા, પાન પાર્લરના ધંધા તરફ વળ્યા

અમદાવાદ, તા. ૨૬ :  ગુજરાતમાં કોરોનાની બીજી લહર સમાપ્ત થવાના આરે છે ત્યારે સરકાર દ્વારા ધીમે ધીમે છૂટછાટો જાહેર કરવામાં આવી છે. હોટેલ તથા રેસ્ટોરન્ટને રાત્રિના ૧૨ સુધી ડિલીવરી કરવાની મંજૂરી આપી છે પરંતુ કફર્યું રાત્રિના ૯ વાગ્યાથી અમલમાં આવી જતો હોવાથી અને ડીઝલના ભાવ આસમાને હોવાથી ગુજરાતના લકઝરી કેબ એસોસિયેશનની હાલત કફોડી થઇ છે. લોકોમાં હવે પોતાની કારમાં બહાર જવાનો ટ્રેન્ડ વધ્યો હોવાથી પણ કેબના ધંધાને ભારે ફટકો પડ્યો છે ત્યારે કફર્યું રાત્રિના ૧૨ વાગ્યાથી લાગુ પાડવામાં આવે તેવી માગ ઉઠી છે.

ગુજરાત લકઝરી કેબ એસોસિયેશનના બોર્ડ સભ્ય પરેશ ઠક્કરે જણાવ્યું હતુ કે હાલમાં લોકો સવારે જઇને સાંજે પાછા આવી જવાય તેવા જ સ્થળોની પસંદગી કરી રહ્યા છે. કફર્યુને લીધ ગમે તેમ કરીને ૯ વાગ્યા પહેલા પાછા આવી જ જવું પડે છે. આ મુદત જો રાત્રિના ૧૨ વાગ્યાથી કરવામાં આવે તો જ અમારા ધંધામાં કંઇક ફરક પડે તેમ છે. હાલમાં થોડી   છૂટછાટો જાહેર થઇ છે ત્યારે અમારો ધંધો માંડ ૧૦ ટકાનો થયો છે. ડીઝલના ભાવ વધ્યા હોવાથી અમારો નફો ધણો ઓછો થઇ ગયો છે. ડિઝલનો ભાવવધારો ગ્રાહક પર પાસ ઓન કરી શકાય તેવી સ્થિતિ નથી.

તેમણે જણાવ્યું હતુ કે હાલમાં મંદિરો, હોટેલો બધે ટ્રાફિક વધી રહ્યો છે પરંતુ લોકો બધી જ જગ્યાએ પોતાની ગાડી લઇને જવાનું પસંદ કરી રહ્યા છે. તેના લીધે પણ ધંધા પર મોટી અસર પડી છે.

કારણે અમારો ડાઇવર લઇને જાય એટલે વેઇટીંગ, ટેકસ વગેરેનો ખર્ચ માથે પડે છે. વધુમાં ડ્રાઇવર સાથે જવામાં લોકોને કોરોનાને કારણે બીક લાગી રહી છે. હાલમાં અમારે એક દિવસની જ વર્ધી આવે છે જેમાં સૌથી વધુ સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જૈનોના મંદિરોની હોય છે. વધુમાં અન્ય રાજ્યોમાં જવા માટે ટેકસ ભરવો પડતો હોવાથી પણ હાલમાં લોકો નાઇટ સ્ટેથી દૂર રહે છે. તેથી લોકોને ઘણું મોંઘુ પડે છે.

હાલમાં ધંધો નહી હોવાના કારણે અમે મોટી ઓફરો આપી શકતા નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું પાછલા વર્ષના માર્ચમાં કોરોના આવી જતા આ ધંધો બિલફૂલ ઠપ થઇ ગયો હતો તેથી ખર્ચને પહોંચી વળવા માટે કેટલાકે પાછલા વર્ષના સાતમા મહિનાથી જનરલ સ્ટોર શરૂ કર્યો હતો. તદુપરાંત કેબના વ્યવસાય સાથે સંકળાયેલા અનેક લોકોએ આ ધંધામાં મંદી હોવાથી અન્ય વ્યવસાય જેમ કે પાન પાર્લર, અમૂલ પાર્લર , ગૃહઉધોગ વગેરે વ્યવસાયો તરફ પણ વળ્યા છે.

(11:52 am IST)