Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ધોરણ -10માં માસ પ્રમોશન આપ્યા બાદ ધોરણ 11માં પ્રવેશ કાર્યવાહી કરવાની ડીઇઓને સૂચના

વર્ગખંડો અપુરતા હોય ત્યાં પાળી પધ્ધતિથી શાળાઓ ચલાવી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની તાકીદ: ધોરણ-8 પ્રાથમિક વિભાગમાં જતાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગખંડો ખાલી પડ્યા હોવાથી તેનો ઉપયોગ કરવા માટે પણ સૂચન

અમદાવાદ :કોરોનાના કારણે ધો.1થી માંડીને ધો.12 સુધી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ધોરણ-10માં માસ પ્રમોશન આપ્યા બાદ ધોરણ-11માં પ્રવેશ માટે શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવા માટે રાજયના તમામ જિલ્લાશિક્ષણાધિકારીઓને સુચના આપવામાં આવી છે. જો વર્ગખંડો અપુરતા હોય ત્યાં પાળી પધ્ધતિમાં શાળાઓ ચલાવીને પણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું રહેશે તેવી તાકીદ કરાઈ છે. ઉપરાંત ધોરણ-8 પ્રાથમિક વિભાગમાં જતાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગખંડો ખાલી પડ્યા હોવાથી તેનો ઉપયોગ કરવા માટે પણ સૂચવવામાં આવ્યું છે. ઉપરાંત શિક્ષકોના કાર્યબોજને પણ યોગ્ય રીતે ગોઠવીને કામગીરી સોંપવા માટે પણ જણાવાયું છે.

રાજયના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-11માં પ્રવેશ અંગેની કાર્યવાહી માટે ડીઈઓને આપેલી સુચનામાં જણાવ્યું છે કે, ધોરણ-11 સાયન્સ માટે જૂન-2019થી વર્ગદીઠ 75 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જોગવાઈ અમલી છે. ધોરણ-11માં શાળા પાસે ઉપલબ્ધ જગ્યાની સગવડને ધ્યાને લેતા વર્ગદીઠ 75 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે. વધુમાં જે વર્ગમાં 75 વિદ્યાર્થી કરતા વધુ વિદ્યાર્થીઓ સમાવવા માટે પુરતી જગ્યા અને સાધન સામગ્રી હોય તે વર્ગમાં 75 વિદ્યાર્થી કરતા વધુ વિદ્યાર્થીઓને શાળાના વડા પોતાની વિવેકબુધ્ધિ અનુસાર પ્રવેશ આપી શકશે.

દરેક જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી મારફતે શાળા વિકાસ સંકુલ કે તાલુકામાં ઉપલબ્ધ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભૌતિક સગવડો અને ઉપલબ્ધ સાધન સામગ્રી ધ્યાને લઈ જે તે શાળા વિકાસ સંકુલો કે તાલુકાના ધોરણ-10ના વિદ્યાર્થીઓને પ્રવેશ તે જ શાળા વિકાસ સંકુલ કે તાલુકામાં જ થાય તે મુજબ પ્રવેશ કાર્યવાહી માટે માઈક્રો પ્લાનિંગ કરીને વિદ્યાર્થીઓના પ્રવેશ સુનિશ્ચિત કરવાના રહેશે. મોટાભાગની ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-8 પ્રાથમિક શાળામાં જવાના કારણે વર્ગખંડો ખાલી પડ્યા છે, જેથી આવી શાળાઓમાં ખાલી પડેલા વર્ગખંડોનો ઉપયોગ કરી શકાશે. જેથી વર્ગખંડોની જરૂરીયાત મહદઅંશે પડશે નહીં.

શાળાઓમાં જો વર્ગખંડો ઉપલબ્ધ ન હોય તો ત્યાં પાળી પધ્ધતિ અપનાવીને શૈક્ષણિક કાર્ય કરાવી શકાશે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા નવા શિક્ષણ સહાયકોની નિમણુંક થયેલી છે. જેથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જોગવાઈ અનુસાર પુરતી સંખ્યામાં સ્ટાફ ઉપલબ્ધ હોય તેવી શાળાઓમાં હાલ કાર્યરત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોના કામના કલાકોને ધ્યાને લઈ કાર્યબોજ યોગ્ય રીતે ગોઠવીને શૈક્ષણિક કાર્ય થાય તેવી વ્યવસ્થા દરેક શાળાઓમાં ગોઠવાય તે સુનિશ્ચિત કરવા માટે પણ ડીઈઓને સુચના અપાઈ છે.

(11:16 pm IST)