Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

GTU સંલગ્ન તમામ કૉલેજોમાં એનફાયર દ્વારા નિઃશુલ્ક ફાયર સેફ્ટી સંદર્ભે વિવિધ સાઈટનું ઓડિટ કરી આપશે

ફાયર સેફ્ટી પ્લાનિંગ, જીવન અને સંપત્તિનું રક્ષણ’ અંગે ઈ-સેમિનાર યોજાયો : 2500 થી વધુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ આ ઈ-સેમિનારમાં જોડાયાં

અમદાવાદ :ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) અને નિવિડ ફાયરના (N ફાયર) સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ અને દરેક જનસામાન્યમાં ફાયર સેફ્ટી સંદર્ભે જાગૃકત્તા કેળવાય અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટનાનો ભોગ કોઈ પણ ના બને તે માટે ઈ-સેમિનારનું આયોજન કરાયું હતું, જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ અને એનફાયરના ડાયરેક્ટર પુષ્પેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, કોઈ પણ ઈમારતનું યોગ્ય પ્લાનિંગ અને ફાયર સંદર્ભીત 0 થી 6 સેકન્ડના ગોલ્ડન ટાઈમમાં અર્લી ડિટેક્શન કરતાં ડિવાઈસના ઉપયોગથી મોટી જાનહાનીને રોકી શકાય છે.

 

2500 થી વધુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ આ ઈ-સેમિનારમાં જોડાયાં હતાં.’ ફાયર સેફ્ટી પ્લાનિંગ, જીવન અને સંપત્તિનું રક્ષણ’ એ આ ઈ-સેમિનારનો મુખ્ય ઉદ્દેશ હતો. ઉપરાંત ફાયર સેફ્ટીની તાલીમ લઈને અનિવાર્ય સંજોગોમાં યોગ્ય કુશળતા કેળવવી, આગનાં જોખમનું મૂલ્યાંકન કરવું, ટૂંક સમયમાં આગને ફેલાતાં કેવી રીતે રોકવી અને કટોકટીના કિસ્સામાં કેવી રીતે અસરકારક પ્રતિક્રિયા આપીને સમયસર જાનહાની ટાળવી જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.

વધુમાં મુખ્ય અતિથિ ઝાલાએ ફાયર સેફ્ટી સંદર્ભે, વૈશ્વિક ધારાધોરણો અને વિશ્વભરમાં અનુસરવામાં આવેલી શ્રેષ્ઠ પદ્ધતિઓ અને પ્રારંભિક તપાસના અભાવથી થતાં મોટા નુકસાન બાબતે માર્ગદર્શન આપ્યું હતું. એનફાયર દ્વારા આગામી દિવસોમાં જીટીયુ સંલગ્ન તમામ શૈક્ષણિક સંસ્થાના પરિસરમાં વિનામૂલ્યે ફાયર સેફ્ટી સંદર્ભે વિવિધ સાઈટનું સર્વે કરી આપવામાં આવશે.

(10:01 pm IST)