Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

ગાંધીનગર:માણસાના પુંધરા ગામે કાળમુખી વીજળીએ બે બાળકોના જીવ લીધા:ગામમાં શોકનું વાતાવરણ ફેલાયું

ગાંધીનગર:જીવનનિર્વાહ માટે ખુબ જરૃરી વરસાદ ઘણી વખત આફતો લઇને આવતો હોય છે. ગાંધીનગરમાં ચોમાસીની વિધિવત શરૃઆત જ કરૃણ ઘટનાથી થઇ છે. માણસાના પુંધરા ગામમાં કાળમુખી વિજળી ત્રાટકવાના કારણે બે બાળાઓના કરૂણ મોત નિપજ્યાં છે. ગામમાં શોકનું વાતાવરણ ફેલાઇ ગયું છે.

સામાન્ય રીતે વરસાદ ખેડૂતો નહીં પરંતુ સમગ્ર જીવ સૃષ્ટિ માટે નવો શ્વાસ લઇને આવતો હોય છે પરંતુ ચોમાસામાં વરસાદની સાથે સાથે પુર, અતિવૃષ્ટિ, જમીન ધસી પડવી, વિજળી પડવી જેવી કુદરતી આફતો પણ આવતી હોય છે. આવી જ વિજળી પડવાની આફત ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલાં પુંધરા ગામમાં આવી ગઇ છે અને બે બહેનપણીના જીવ આ અણધારી આફતે લીધા છે. આ ઘટનાની મળતી માહિતી મુજબ માણસા તાલુકાના પંુધરા ગામની સીમમાં ઉંચી કણજી વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં ખેતી અને છુટક મંજુરી કામ કરતાં રાઠોડ અર્જુનસિંહની ૧૫ વર્ષિય પુત્રી સોનલબેન તથા વણઝારા લાખાભાઇની ૧૨ વર્ષની પુત્રી મિત્તલબેન ગુરુવારે બપોરે થયેલાં વરસાદમાં ભીંજાઇ હતી. કપડાં પલળી ગયાં હોવાના કારણે તે બદલવા માટે આ બંને બહેનપણીઓ ઘર પાસેના કાચા ઝુંપડામાં ગઇ હતી અને તે સમયે આકાશમાં થયેલાં કડાકાભેર થયેલી વિજળી લીમડા ઝાડ સાથે અથડાઇને ઝુંડપીમાં કપડા બદલતી બંને બાળાઓ ઉપર પડી હતી. વિજળી પડવાનો પ્રચંડ કડાકો થયો હતો અને આસપાસથી લોકો આ ઝુંપડા પાસે દોડી આવ્યા હતા જ્યાં આ બંને બાળાઓ જમીન ઉપર ઢળી પડેલી જોવા મળી હતી. આ બંને બાળાઓને તાત્કાલિક ૧૦૮ મારફતે વિજાપુર ખસેડવામાં આવી હતી પરંતુ બંને બાળકીને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થઇ ચુક્યું હતું. 

(5:56 pm IST)