Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

સપ્ટેમ્બરમાં ચૂંટણી

રાજયમાં ૮ વિધાનસભાની પેટાચૂંટણીઓના વાગશે પડઘમ

૧૫ માર્ચે રાજીનામું આપનારા ૪ ધારાસભ્યોની બેઠકો સપ્ટેમ્બર મહિના સુધીમાં ભરવાની રહેશેઃ જેના કારણે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાવાની શકયતા રહેલી છે

અમદાવાદ, તા.૨૬: તાજેતરમાં જ કોરોનાના સંકટ વચ્ચે રાજયસભાની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણી બાદ કોંગ્રેસના ૩ જેટલા ધારસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂકયા છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની આઠ ખાલી પડેલી બેઠકોની ચૂંટણી આગામી સપ્ટેમ્બર મહિનામાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ શકે છે. રાજય ચૂંટણી પંચે ચૂંટણી યોજવા માટે અલગ અલગ એકશન પ્લાન પર કામ શરૂ કરી દીધું છે. હાલમાં સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજાય તે મુજબ તમામ તૈયારીઓ ચાલી રહી છે.

૧૫ માર્ચે રાજીનામું આપનારા ૪ ધારાસભ્યોની બેઠકો સપ્ટેમ્બર મહિના સુધીમાં ભરવાની રહેશે. જેના કારણે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાવાની શકયતા રહેલી છે. આ મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચનું માર્ગદર્શન પણ માંગવામાં આવ્યું છે તેના કારણે ગુજરાતમાં ચૂંટમી આવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

માર્ચ મહિનામાં કોંગ્રેસના ૫ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જયારે જૂન મહિનામાં વધુ ૩ કોંગી ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. આ ધારાસભ્યોમાં ગઢડાના પ્રવીણભાઈ મારું, લીમડીના સોમાભાઈ પટેલ, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના જે વી કાકડિયા અને ડાંગના મંગળભાઈ ગાવિતનો સમાવેશ થાય છે.

બાદમાં હમણાં જૂનમાં વધુ ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં જેમાં કપરાડાના જીતુભાઇ ચૌધરી, કરજણના અક્ષય પટેલ અને મોરબીના બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપતાં  ખાલી પડેલી આઠ બેઠકો માટે સપ્ટેમ્બર મહિનામાં પેટાચૂંટણી યોજાઇ શકે છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં આ પેટા ચૂંટણીઓની તારીખોની જાહેરાત થઈ શકે છે. ગુજરાતનું ચૂંટણી પંચ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે પણ અત્યારે કોરોનાના ખતરાને કારણે આખરી નિર્ણય કેન્દ્રીય ચૂંટણી પંચ જ લેશે.

(3:39 pm IST)