Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ગુજરાત ભાજપ ચૂંટણી સંકલન સમિતિની બેઠક

મુખ્યમંત્રી વિજય રૂપાણીના આવાસ ઉપર બેઠક થઇ

અમદાવાદ,તા.૨૬  : ગુજરાત પ્રદેશ ભાજપા પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આજરોજ સાંજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપા પ્રદેશ ચૂંટણી સંકલન સમિતિની બેઠક મળી હતી. પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રદેશ ચૂંટણી સંકલન સમિતિમાં જૂનાગઢ મહાનગર પાલિકાની તારીખ ૨૧મી જૂલાઈએ યોજાનાર ચૂંટણી માટેના ઉમેદવારોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પ્રદેશ દ્વારા ત્રણ-ત્રણ સભ્યોની ચાર નિરીક્ષક ટીમો બનાવવામાં આવી હતી. આ ચાર નિરીક્ષકોની ટીમો દ્વારા તારીખ ૨૨મી જૂને જૂનાગઢના તમામ વોર્ડના કાર્યકર્તા પાસે જઈને ઉમેદવારો માટેના સેન્સ લેવામાં આવ્યાં હતાં. આ ચૂંટણી સમિતિમાં ઉમેદવારોના સંદર્ભમાં પ્રદેશ નિરીક્ષકો અને મહાનગર ચૂંટણી સંકલન સમિતિ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. હાલમાં, જૂનાગઢ મહાનગર પાલિકામાં ભાજપ સત્તાના સેવાના સુત્રો સંભાળે છે. કુલ ૬૦ સભ્યોમાંથી ૪૪ સભ્યો ભાજપા પાસે છે. આગામી સમયમાં જૂનાગઢની જનતાનું જનસમર્થન, જનમત એ ભાજપને ભવ્ય વિજયી બનાવશે તેવો અમને વિશ્વાસ છે  તેમ શ્રી પંડયાએ અંતમાં જણાવ્યું હતું.

(9:33 pm IST)