Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

અમદાવાદમાંય તંત્ર સક્રિય થયું : અનેક સ્કુલોને નોટિસ

અનેક સ્કુલોની નીચે દુકાનો અને ફેક્ટરીઓ ચાલે છે : ફાયર વિભાગ અને શિક્ષણ વિભાગની કાર્યવાહી : અનેક સ્કુલોમાં વિદ્યાર્થીઓ માટે ખુબ સાંકડી સીડીની વ્યવસ્થા

અમદાવાદ,તા.૨૬ :  અમદાવાદ શહેરની અનેક સ્કુલોને નોટિસ ફટકારવાનો સિલસિલો શરૂ કરવામાં આવી ચુક્યો છે. ફાયર સેફ્ટી અને અન્ય સુવિધાઓના અભાવ વચ્ચે આ સ્કુલો ચાલી રહી છે જેના કારણે તંત્ર દ્વારા હવે પગલા લેવામાં આવી રહ્યા છે. સુરતમાં તક્ષશિલામાં બનેલી ઘટનાની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યારે બીજી ઘટનાઓ બનવાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. હાલમાં જ સુરતમાં ફરીથી આગની ઘટના બની હતી. અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં પણ અનેક સ્કુલો કોમ્પ્લેક્ષમાં ચાલી રહી છે જ્યારે ફાયર સેફ્ટીની સુવિધા નથી. આગ લાગવા અને અન્ય ઘટનાઓ થવાનો ખતરો રહેલો છે. અમદાવાદ શહેરની આઠથી પણ વધુ સ્કુલોને નોટિસ ફટકારી દેવામાં આવી છે. તેમની પાસેથી જવાબની માંગ પણ કરવામાં આવી છે. તંત્ર વધુ આક્રમક બનીને આગામી દિવસોમાં સિલિંગની કાર્યવાહી પણ હાથ ધરી શકે છે. એવી કેટલીક મોટી સ્કુલો છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં અનેક સ્કુલો નીચે ફેક્ટરીઓ ચાલી રહી છે. ઇસનપુર વિસ્તારમાં સ્થિત મુક્તજીવન સ્કુલ નીચે ૧૫થી વધુ ફેક્ટરીઓ ચાલી રહી છે. શાળામાં આવવા જવા સાંકડી સીડી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. ફાયર વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. ફાયરના અધિકારીઓએ સ્કુલની તપાસ કરીને નોટિસ ફટકારી છે. નિર્ણયનગર વિસ્તારમાં સ્થિત સ્કુલમાં પણ તપાસ થઇ રહી છે. અમદાવાદની સ્કૂલોની વાત કરવામાં આવે તો, અમદાવાદના ઘોડાસરમાં કોમ્પલેક્ષમાં જીવના જોખમે સ્કુલ ચાલી રહી છે. સહજાનંદ કોમ્પલેક્ષમાં ઈમેજ ઈંગ્લિશ સ્કૂલ ચાલી રહી છે. આ સ્કૂલ ચલાવવા માટે ધાબા પર પતરાનો શેડ મારી ક્લાસરૂમ બનાવવામાં આવ્યા છે. અહીં બાળકોને સ્કૂલમાં આવવા-જવા માટે એક માત્ર સાંકડી સીડી છે. જો સુરતમાં બનેલી ઘટના ફરીથી દોહરાય તો અમદાવાદમાં પણ અનેક બાળકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. અમદાવાદની ગેરકાયદેસર અને જીવના જોખમે ચાલતી સ્કૂલોમાં કૃષ્ણનગર વિસ્તારમાં એક જ કોમ્પેલક્ષમાં ૭ સ્કૂલો ચાલતી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. કૃષ્ણનગર વિસ્તારમાં જે એક કોમ્પ્લેક્ષમાં ૭ સ્કૂલો ચાલે છે તેમના નામ અકુંર સ્કૂલ, ઉદ્દગમ, પીયુ રાજ, ઉમિયા સ્કૂલ જેવા છે. અહીં ૭ સ્કૂલના બાળકો વચ્ચે આવવા જવા માટે માત્ર એક જ સીડી છે. કોમ્પ્લેક્ષમાં ૭ સ્કૂલોમાં આશરે ૨૫૦૦થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આવી રીતે એક જ કોમ્પ્લેક્ષમાં ૭ સ્કૂલો ચલાવવાની પરમિશન કોણે આપી તે તપાસનો વિષય બન્યો છે. અમદાવાદમાં બેફામ કોમ્પલેક્ષમાં ચાલી રહી છે સ્કૂલો, છતાં તંત્ર આંખ આડા કાન કરી કોઇ કાર્યવાહી કરતું નથી. શું આવી રીતે ભણાવશો ગુજરાત. હવે તો શરમ કરો. આ સિવાય જીવરાજ પાર્ક ખાતે શોપિંગ કોમ્પલેક્ષમાં અન્ય એક સ્કૂલ ચાલી રહી છે.  જેનું નામ નિલકંઠ સાબર સ્કૂલ છે. આ સ્કૂલમાં ૪૦૦થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. અહીંવ જે કોમ્પ્લેક્ષમાં સ્કૂલ ચાલે છે તેની છત પર અનેક ગેરકાયદેસર મોબાઇલ ટાવરો લગાવવામાં આવ્યા છે. તંત્રની આટલી નિષ્ઠુરતા જોઇને ડીઈઓએ સ્કૂલ બંધ કરવા વિભાગને રજૂઆત કરી છે.

(9:31 pm IST)