Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

અમદાવાદની એલજી હોસ્પિટલમાં 23 વર્ષીય દર્દીએ સાતમા માળેથી પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કરતા અરેરાટી

અમદાવાદ:મણીનગરની એલજી. હોસ્પિટલમાં બિમારીને કરાણે દાખલ ૨૩ વર્ષના દર્દીએ હોસ્પિટલના સાતમા માળેથી પડતુ મુકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એક મહિના પહેલા હોસ્પિટલમાં દાખલ એક યુવકની લોબીમાં હત્યા કરી નાંખવામાં આવી હતી અને ભારે તોડફોડ કરવામાં આવી હતી. કરોડો રૃપિયા સુરક્ષા પાછળ ખર્ચાતા હોવા છતા હોસ્પિટલમાં કોઈ સુરક્ષા નથી, આમ તંત્રની પોલંપોલ ખુલ્લી પડી રહી છે.

ગોમતીપુરમાં શંકરપુરાની ચાલીમાં રહેતા સચીનભાઈ મનસુખભાઈ (૨૩)ને આલ્કોહોલને કારણે પેન્ક્રિયાઝમાં સોજો આવી ગયો હતો. છેલ્લા સાત દિવસથી તેમને એલ.જી.હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. દરમિયાન ૨૫ જુના રોજ સવારે અંદાજે પાંચ વાગ્યે સચીનભાઈએ હોસ્પિટલના સાતમા માળેથી પડતુ મુક્યું હતું. જેમાં તેમને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અંગે મણીનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એક મહિના પહેલા એલ.જી.હોસ્પિટલની લોબીમાં જાહેરમાં એક દર્દીની ચાકુના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી અને હોસ્પિટલના બારી બારણાની ભાંગફોડ કરવામાં આવી હતી. ઘટના બાદ પણ હોસ્પિટલમાં કોઈ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી નથી જે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે.

(5:30 pm IST)