Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

આણંદ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે 28 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

આણંદ:જિલ્લામાં પેટ્રોલીંગ કરી રહેલી સ્ટેટ મોનીટરીંગ સેલના જવાનોને હકિકત મળી હતી કે, મહારાષ્ટ્રથી એક ટેન્કરમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ભરીને વાસદ આવનાર છે. જેના આધારે પોલીસ જવાનો ઉમરેઠ-વાસદ રોડ ઉપર આવેલી સહકાર હોટલ પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન એક મહારાષ્ટ્ર પાર્સિંગની ટેન્કર નંબર એમએચ-૦૫, કે-૮૭૩૭ની આવી ચઢતાં પોલીસે શંકાને આધારે તેને અટકાવીને તપાસ કરતાં ટેન્કરની અંદર કેમીકલ કે દૂધની જગ્યાએ વિદેશી દારૂની પેટીઓ ગોઠવેલી મળી આવી હતી. જેથી ડ્રાયવરની ધરપકડ કરી લઈને ટેન્કરને વાસદ પોલીસ મથકે લઈ જવામાં આવી હતી

જ્યાં ઉપરનું ઢાંકણ ખોલીને એકબાદ એક પેટીઓ બહાર કાઢીને ગણતરી કરતાં તે ૫૭૦ જેટલી હોવાનું ખુલવા પામ્યું હતુ. તેની કિંમત ૨૮ લાખ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે ૧૫ લાખની ટેન્કર સાથે કુલ ૪૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા ડ્રાયવરની પુછપરછ હાથ ધરી છે. પાંચ દિવસ પહેલાં આણંદ એસઓજીએ વાસદ પાસેથી ૧૯.૦૮ લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ ફરીથી ૨૮ લાખનો વિદેશી દારૂ ભરેલી ટેન્કર ઝડપાતાં વાસદ વિદેશી દારૂની હેરાફેરીનું હબ બની જવા પામ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

(5:26 pm IST)