Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ડીગ્રી ઇજનેરીમાં પ્રથમ રાઉન્ડમાં અડધા ભાગની બેઠકોમાં પ્રવેશ ફાળવણી : ૩પ૪૬૦ બેઠકો ખાલી

કોમ્પ્યુટરમાં સૌથી વધુ ૮૮૧૪ને પ્રવેશ : મિકેનિકલમાં ૪૦૬૬

રાજકોટ, તા. ર૬ : એડમિશન કમીટી ફોર પ્રોફેશ્નલ કોર્ષિસના સામ્ય સચિવની યાદી જણાવે છે કે, આજરોજ ડીગ્રી ઇજનેરીના પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે ૩૩ર૭૧ જેટલા વિદ્યાર્થીઓને પ્રાથમિક તબક્કે મેરીટ ફાળવણી કરવામાં આવેલ અને તેમાંથી ૩૧૪૩૬ જેટલા વિદ્યાર્થીઓએ ચોઇસ ફીલીંગ કરેલ છે. આ વિદ્યાર્થીઓમાંથી તેઓના મેરીટ અને ભરેલ ચોઇસના આધારે ર૯૭પર વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં ફાળવણી કરાયેલ. આ ફાળવણીમાં એમકયુ તથા એનઆરઆઇ સીટોનો સમાવેશ થતો નથી. પ્રવેશ વર્ષ ર૦૧૯-ર૦માં આશરે ૬પર૧ર બેઠકો માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ. જેમાંથી ૩પ૪૬૦ બેઠકો ખાલી રહેવા પામેલ છે. મેરીટના પ્રથમ વિદ્યાર્થીને તેની પસંદગીના આધારે DAIICT,  Gandhinagar ખાતે B. Tech(Hons.in ICT With CS) શાખામાં પ્રથમ રાઉન્ડની ફાળવણી કરાયેલ.

સમિતિ દ્વારા થયેલ ફાળવણીમાં સરકારી તથા અનુદાનિત કુલ સંસ્થાની ૧૩૪૭૯માંથી કોઇ પણ ૧૧ર૯પ બેઠકો ઉપર પ્રવેશ ફાળવવામાં આવેલ છે. જયારે ર૧૮૪ સરકારી બેઠકો ખાલી રહેલ છે. જયારે સ્વનિર્ભર સંસ્થાઓની કુલ પ૧૭૩૩ બેઠકોમાંથી ૧૮૪પ૭ બેઠકો ઉપર પ્રવેશ ફાવવામાં આવેલ છે અને ૩૩ર૭૬ બેઠકો ખાલી રહેલ છે. આમ પ્રથમ રાઉન્ડના અંતે ડીગ્રી ઇજનેરમાં કુલ ૪૬% બેઠકો ઉપર પ્રવેશની ફાળવણી કરવામાં આવેલ છે.

કોમ્પ્યુટરની કુલ ૧ર૩૧ર બેઠકોમાંથી ૮૮૧૪ જેટલી સીટો ભરાયેલ. મિકેનિકલમાં ૧૩પ૬૮માંથી ૪૦૬૬, સીવિલની ૧૧૦૦૯ માંથી ૩પ૮૧ અને કેમિકલ ઇજનેરીની કુલ ર૬૪૩માંથી ૧૭૯૮ ઇલેકટ્રીકલની ૭૯૧૯માંથી રર૩૮ જયારે ઇસી બ્રાંચમાં ૪૮૮૧માંથી ર૦પપ જેટલી બેઠકો ઉપર પ્રવેશ ફાળવવામાં આવેલ હતો.

તા. ર૬થી તા. ૧ જુલાઇ સુધી વિદ્યાર્થી પોતાના લોગીનમાંથી ..Information Letter અને બેન્ક ચલણની પ્રિન્ટ કાઢી સરકારશ્રી દ્વારા નિર્ધારિત આઇસીઆઇસીઆઇ બેંકમાં ટોકન ટયુશન ફી ભરી પોતાનો પ્રવેશ કાયમ કરી શકશે. જો વિદ્યાર્થીને ઝીરો ફી ભરવાની હોય એવા વિદ્યાર્થીઓએ પણ જો પ્રવેશ કાયમ કરવો હોય તો પોતાના લોગીનમાં જઇ ACCEPT બટન દબાવી પ્રવેશ કાયમ કરવાનો રહે છે. 

(4:25 pm IST)