Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

અષાઢી બીજના શુભ મુર્હૂતમાં સાડા સાત હજારથી વધુ વાહનોની ડિલિવરી

પ હજારથી વધુ ટુ વ્હીલર અને રપ૦૦ જેટલી કારનું બુકિંગ

અમદાવાદ તા. ર૬: તા. ૪ જુલાઇએ અષાઢી બીજનો પવિત્ર દિવસ અને રથયાત્રાનો તહેવાર હોઇ શહેરમાં મોટરસાઇકલ અને મોટરકારની ખરીદી માટે ઘસારો થશે. ઓટોમાર્કેટમાં હવે રથયાત્રાનો દિવસ નવરાત્રી અને દશેરા તેમજ લાભ પાંચમના દિવસ જેટલો જ મહત્વનો બની ગયો છે. લોકોમાં રથયાત્રાના દિવસે જ વાહનની ડિલિવરી લેવાનું ચલણ અષાઢી બીજનો પવિત્ર દિવસ અને રથયાત્રાના તહેવારના લીધે પણ વધ્યું છે. આથી ઓટો કંપનીઓએ આકર્ષક સ્કીમો બહાર પાડી રહી છે. મોટરકારના શો-રૂમને પણ રથયાત્રાના દિવસે ખાસ સજાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ શુભ મુર્હુતમાં વાહનની ડિલિવરી લેવા માટેની પણ માહિતી આપવામાં આવી રહી છે. શો-રૂમ ખાતે જ વાહનની પુજા કરવા માટેનું આયોજન પણ કરાયું છે.

રથયાત્રાના દિવસે નવાં વાહન સહિત નવી વસ્તુઓ ખરીદવાની માન્યતા છે. ચાલુ વર્ષે પણ આ દિવસે વાહનની ધૂમ ખરીદી થવાનો અંદાજ છે. ડીલરોના અંદાજ મુજબ આ વર્ષે પણ રપ૦૦થી વધારે કાર અને પ,૦૦૦ થી વધુ ટુ વ્હિલરનું આ એક જ દિવસે વેચાણ થશે, જેનાં બુકિંગ પણ શરૂ થઇ ચૂકયાં છે. નોટો ઇન્ડસ્ટ્રીઝના ટ્રેન્ડના મુદ્દે શીતલ મોટર્સના અરવિંદભાઇ ઠકકરે જણાવ્યું હતું કે રથયાત્રાના પવિત્ર દિવસે શહેરમાં રપ૦૦થી વધુ કારના વેચાણનો અંદાજ છે. ઓટો કન્સલ્ટન્ટ નમન શાહે જણાવ્યું હતું કે હાલના સમયગાળા દરમિયાન જો કોઇ વાહનની ખરીદી કરે છે તો તેની ડિલિવરી તેઓ રથોયાત્રાના દિવસે જ લેવાનો આગ્રહ રાખે છે. રથયાત્રા પછી દિવાળી સુધી માર્કેટમાં તેજી રહેવાની શકયતા છે.

શહેરમાં ટુ વ્હિલર અને મોટરકારનું વેચાણ સતત વધી રહ્યું છે. ઘણા ગ્રાહક તો બે-ત્રણ વર્ષે તેમનાં વાહન બદલી નાખતા હોય છે. ભારતીય મુહુર્તશાસ્ત્રમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસોના યોગને વણનોતર્યા મુહુર્ત તરીકે ગણવામાં આવ્યા છે, જેમાં રથયાત્રા એટલે કે અષાઢી બીજના પવિત્ર દિવસનો સમાવેશ થાય છે. આ દિવસે લોકોી નવી ખરીદી કરવા માટે આગોતરૃં આયોજન કરતા હોય છે. શહેરના અગ્રણી ટુ વ્હીલર અને ફોર વ્હિલરના શો-રૂમમાં અષાઢી બીજના દિવસે સવારથી જ વાહનની ડિલિવરી લેવા માટેની ભીડ જોવા મળશે. એકમાત્ર પશ્ચિમ વિસતારના જ શો-રૂમમાંથી સવારથી બપોર સુધીમાં મોટી સંખ્યામાં વાહનની ડિલિવરી કરવામાં આવશે. પૂર્વ વિસ્તારમાં રથયાત્રા પસાર થાય ત્યારબાદ બપોર પછી વાહનની ડિલિવરી લેવાનું ચલણ છે. વાહનની સાથે જવેલર્સને ત્યાં પણ દાગીના અને ગીની લેવા માટે ગ્રાહકોનો ધસારો રહેશકે. એક અંદાજ મુજબ એકલા અમદાવાદમાં સોનું રૂ. ૩પ,૦૦૦ની સપાટીને વટાવી ગયું છે. તેમ છતાં દશેક કરોડના સોનાનું વેચાણ થોવાની આશા રખાય છે.

(3:43 pm IST)