Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

પિતાએ જ બાળકી વેચી નાખ્યાની પોલીસને એક તબક્કે શંકા જાગેલી

૪ વર્ષની માસુમ બાળકીને માતા-પિતાને હેમખેમ પરત કરવા સાથે ગણત્રીના કલાકોમાં ડીવાયએસપી કે.ટી.કામરીયા ટીમે ઝડપી લેતા માતા-પિતાએ ચોધાર આંસુએ આભારની લાગણી વ્યકત કરી : સીસીટીવી ફુટેજમાં આરોપી સાથે બાળકીના પિતા વાતચીત કરતા નજરે ચઢતા કોયડો સર્જાયેલોઃ સાણંદ પંથકની ચકચારી ઘટનાની ભીતરમાં

રાજકોટ, તા., ર૬  મૂળ દાહોદના વતની ભરતભાઇ તળવી અને તેમના પત્ની અને ત્રણ દિકરી સાથે સાણંદના બોડ ગામે રહે છે તેવા આ પરિવાર પર આભ તુટી પડયું હતું. પરંતુ મૂળ રાજકોટ(મોરબી પંથક)ના અને હાલ સાણંદમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા કે.ટી.કામરીયાએ અથાગ જહેેમત ઉઠાવી ૪ વર્ષની જે બાળકીનું અપહરણ થયેલ તેને ગણત્રીના કલાકોમાં પરત અપાવવા સાથે આરોપીઓને પણ ઝડપી લેતા અમદાવાદ રૂરલના એસપી આર.વી.અસારી કે જેઓ આ ઘટના પર સતત નજર રાખી રહયા હતા. તેઓએ કે.ટી.કામરીયા ટીમને અભિનંદન પાઠવવા સાથે માતા-પિતાએ પણ પોતાની બાળકીને હેમખેમ પરત કરવા બદલ ચોધાર આંસુએ કે.ટી. કામરીયા ટીમનો આભાર માન્યો હતો.

ચાલો સમગ્ર ઘટના ક્રમ અંગે માહિતગાર થઇએ. ભરતભાઇ તેના પરિવાર સાથે ખરીદી કરવા ગયા હતા. એકાએક વરસાદ ચાલુ થતા ત્રણેય દીકરીઓને એક ઓટલા પર બેસાડીને દંપતી ખરીદી કરવા બાજુમાં ગયા તેઓ પરત આવ્યા ત્યારે પોતાની ૪ વર્ષની દિકરી રિન્કલને ન જોતા આફળાફાફડા બની તપાસ કરી પરંતુ કોઇ પતો ન લાગતા સાણંદ જીઆઇડીસી પોલીસને જાણ કરી ફરીયાદ નોંધાવી.

સાણંદ પોલીસમાં એક માસુમ બાળકીના અપહરણની ફરીયાદ થયાની જાણ થતા જ  કે.ટી. કામરીયાએ સમગ્ર મામલો પોતાના હસ્તક લઇ અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સ્થાનિક પોલીસની સાથેોસાથ એલસીબી  ટીમોને કામે લગાડી બોર્ડ ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરા ચેક કરતા બે શખ્સો પૈકી એક શખ્સ કાળા રંગના કપડામાં બાળક લઇને જતો હોય તેવું દેખાયું.

આટલી કડીના આધારે પોલીસ સાણંદ જીઆઇડીસીમાં કામ કરતા પર્વત ભુરીયા સુધી પહોંચી અને તેની બાજુમાં કાળુ કપડું લઇને ચાલી રહેલા માણસ વિશે પુછપરછ કરતા એ શખ્સ સાણંદ જીઆઇડીસીમાં રહેતો મનીષ હોવાનું જાણવા મળ્યું. પોલીસ માટે આટલી વિગતો પુરતી હતી. ડીવાયએસપી કે.ટી.કામરીયાએ તાત્કાલીક પોલીસ ટીમોને મનીષના ઘેર મોકલી  અને મનીષને બાળી રિન્કલ સાથે ઝડપી લીધો. પોલીસની પુછરપછમાં એવુ પણ બહાર આવ્યું કે વેફર્સની લાલચ આપી અપહરણ કરી ગયેલા મનીષના પત્ની પતિના આવા કૃત્યોથી નારાજ હતી.

ડીવાયએસપી કે.ટી.કામરીયાએ અકિલા સાથની વાતચીતમાં એવું જણાવ્યું કે એક તબક્કે તો બાળકીના પિતા ભરતભાઇ પર તેણે પોતાની બાળકી વેચી નાખ્યાની શંકા જાગી હતી. આનુ કારણ એ હતું કે, તેના પિતા સીસીટીવી કેમેરામાં આરોપી મનીષ અને પર્વત સાથે વાતચીત કરતા નજરે ચઢતા હતા.

(12:22 pm IST)