Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ઝનૂનમાં આવી પુત્રએ માતાને છરીના ૧૧થી વધારે ઘા માર્યા

પીઠમાં ખુપેલી છરી સાથે માતાને ખસેડાઈ :ભાવનગરમાં કળિયુગી પુત્રની કરતૂતને લઇ પંથકમાં ભારે ચકચાર : છરીના અનેક ઘાના લીધે માતાની હાલત ગંભીર

અમદાવાદ, તા.૨૫ : ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા અને હાલ પતિ અને પરિવારથી છેલ્લા પાંચ વર્ષથી અલગ રહેતા વનીતાબેન મનહરભાઇ ચૌહાણ નામની ૪૬ વર્ષની મહિલા ભરતનગરમાં કોઇ કામ સંબધે ગઇ હતી. તે સમયે તેના પતિ અને પુત્રએ ત્યાં પહોંચી ઝઘડો શરૂ કર્યો હતો અને અગાઉથી ઇરાદાપૂર્વક આવ્યા હોય તેમ પુત્રએ ઝનુનપૂર્વક એક સાથે ૧૧ છરીના ઘા શરીર પર ઝીંકી દીધા હતા. છરી મહિલાની પીઠમાં ફસાઈ જતાં તેને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાવામાં આવી હતી. તબીબોએ ઓપરેશન કરી મહિલાની પીઠમાંથી છરી બહાર કાઢી હતી. હાલ મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજીબાજુ, ફરિયાદી પુત્રીએ ફરિયાદમાં આક્ષેપ કર્યા હતા કે, મારૂ નામ અમૃતાબેન હસમુખભાઈ પરમાર છે. મારી માતા વનીતાબેન છેલ્લા પાંચેક વર્ષથી અલગ આખલોલ જકાતનાકે રહે છે અને લોજમાં રાંધવાની મજૂરી કરે છે. આજે મારા ઘરે મારી નાનીબેન બિંદિયા અને તેના પતિ શૈલેષભાઈ આવ્યા હતાં. શૈલેષભાઈ રેડીમેઈડનું કામ કરે છે. તેના કારીગરને પૈસા આપવા અમે જતા હતાં. ત્યારે જ મારા બે ભાઈઓ શુભમ અને સમીરમાંથી સમીર અને મારા પિતા ત્યાં આવ્યા અને પહેલા મારી સાથે ઝઘડો કરવા લાગ્યા ત્યારે મારા પિતાએ સમીરને ઉશ્કેર્યો કે બધા ઝઘડાનું મૂળ તારી મા છે. એટલે સમીર એકાએક મારી માતા તરફ ધસ્યો, મારી માતાએ દોડવાનો પ્રયાસ કર્યો. પણ સમીરે ત્યારે પહોંચી જઇને તેને આડેધડ છરીના ઘા મારવા માંડ્યા હતા. કુલ ૧૧ છરીની ઘા માર્યા હતા. તેમાં ૧ ઘા પીઠમાં વાગ્યો ત્યાં છરી ફસાઇ જતા એ લોકો ભાગી ગયા હતા. બાદમાં હું મારી માતાને લઇ હોસ્પિટલ લઈ આવી હતી. જ્યાં ડોક્ટરોએ ૧૦થી ૧૫ મિનિટ શરીરમાંથી છરી કાઢવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન થયા એટલે તેને ઓપરેશનમાં લઇ ગયા હતા. માતાની હાલત જોઈ હીબકા ભરતી તેની નાની પુત્રીએ જણાવ્યું હતું કે, મારો ભાઈ સમીર અગાઉ પણ કોઈ ગુનામાં બાળ રીમાન્ડ હોમમાં જઈ આવ્યો છે. ગમે તે વાંક હોય પણ આવુ ઝનૂનપૂર્વક સગી માતાને મારાય થોડું ? બીજીબાજુ, ઘાયલ માતાની હાલત ગંભીર હોવાનું મનાય છે, લોહી ઘણુ વહી ગયુ હોવાથી ડોકટરોએ સઘન સારવાર ચાલુ રાખી છે. કળિયુગી પુત્રની કરતૂતને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને સગી જનેતા પર હુમલો કરનાર પુત્ર પર ફિટકારની લાગણી વરસી હતી.

(9:21 pm IST)
  • પાકિસ્તાનમાં ભારતીય રાજદૂતો સાથે ગેરવર્તણુક : ભારતે નોંધાવ્યો વિરોધ : ગેરવર્તણુકના ૬ મામલામાં નોંધાવ્યો વિરોધ : ૧૩મીએ ભારતીય રાજદૂતોનો પીછો કરાયો હતો તેમજ ઈફતાર પાર્ટીમાં પણ ગેરવર્તણુક કરાઈ હતી access_time 3:40 pm IST

  • મોદી સરકારે ર વર્ષમાં ૮૭૦૦૦ પાકિસ્તાની અને ર૩ લાખ બાંગ્લાદેશીને વીઝા આપ્યા access_time 3:21 pm IST

  • સાબરકાંઠાના અરવલ્લીના પશુપાલકો માટે સારા સમાચાર : ગાયના દુધના ભાવમાં કિલો ફેટે રૂ.૨૦નો વધારો : ભેસના દુધના ભાવમાં કિલો ફેટે રૂ.૩૦નો વધારો : સાબરડેરીએ દુધના ભાવમાં વધારો કર્યો access_time 1:08 pm IST