Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

સોનાની કિંમતો ઘટે તેવી સંભાવના હાલ નહીવત

અમેરિકા-ચીન ટ્રેડવોર, ઇરાન કટોકટીની અસર :સોનાની કિંમતને લઇને કારોબારીઓ ભારે ઉત્સુક બન્યા

અમદાવાદ, તા. ૨૫ : સોનાની કિંમતમાં ભારે તેજી જોવા મળી રહી છે. હાલમાં ઓલટાઈમ હાઈ સપાટી ઉપર પહોંચ્યા બાદ સોનાની કિંમત હવે ૩૪૦૦૦થી ૩૫૫૦૦ વચ્ચે જોવા મળી રહી છે. અમદાવાદ બુલિયન બજારમાં પણ આ પ્રકારની સ્થિતિ પ્રવર્તી રહી છે. ત્રણ ટકા જીએસટી સહિત પ્રતિ ૧૦ ગ્રામ કિંમત ૩૫૫૦૦ સુધી શનિવારના દિવસે પહોંચી ગયા બાદ સોનાની કિંમતમાં નજીવો ઘટાડો સોમવારના દિવસે થયો હતો. આજે સોનાની કિંમત ૯૯.૯ સોનામાં ૩૪૦૦૦થી લઇને ૩૫૫૦૦ સુધીનો ભાવ બોલાયો હતો. વૈશ્વિક પરિબળોની સાથે સાથે નવા પરિબળો પણ સોનાની કિંમતમાં તેજી માટે જવાબદાર દેખાઈ રહ્યા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડિરેક્ટર હરેશ આચાર્યએ કહ્યું છે કે, કિંમત વધવા માટે જે કારણો છે તેમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર પણ જવાબદાર છે.

ચીનમાંથી આયાત ઉપર અમેરિકાએ ટેરિફ લાગૂ કરી દેતા તેની અસર જોવા મળી રહી છે. બીજી બાજુ અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલી ચરમસીમાએ પહોંચી ગઈ છે જેના લીધે સોનામાં મૂડીરોકાણ વધી ગયું છે. સોનાને સુરક્ષિત રોકાણ તરીકે હજુ પણ ગણવામાં આવે છે. આર્થિક અનિશ્ચિતતાની સ્થિતિમાં કેટલાક દેશોની સેન્ટ્રલ બેંકો પણ સોનામાં જ મુખ્યરીતે વિશ્વાસ રાખે છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત રોકેટગતિએ વધી છે. જ્વેલર્સ દ્વારા સંકેત આપવામાં આવ્યા છે કે, મૂડીરોકાણકારો પહેલાથી જ સોનામાં વેચાણ કરી રહ્યા છે. હાલના તબક્કે સોનાની કિંમત ઉંચી સપાટીએ પહોંચી રહી છે. કિંમતો હવે ઘટે તેવી શક્યતા ઓછી છે. કારણ કે, ભૌગોલિક સ્થિતિ પણ આના માટે જવાબદાર છે. અમેરિકામાં ચૂંટણી નજીક આવી રહી છે. છેલ્લા થોડાક મહિનામાં ગોલ્ડ જ્વેલરી ખરીદી ચુકેલા ખરીદદારો આજે વેચવાલીના મૂડમાં દેખાઈ રહ્યા છે.

(9:19 pm IST)