Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

રાજયસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પક્ષમાં ભારે નિરાશા

ચંદ્રિકાબહેન ચુડાસમા અને ગૌરવ પંડયા મેદાને : બંને બેઠકોની ચૂંટણી અલગ અલગ યોજાવાની હોઇ કોંગ્રેસ માટે ચૂંટણી માત્ર ઔપચારિકતા : ભાજપની જીત નિશ્ચિત

અમદાવાદ,તા. ૨૫ : રાજયસભાની બે બેઠકો માટે તા.૫ાંચમી જૂલાઇના રોજ યોજાનારી ચૂંટણીને લઇ ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ છેલ્લી ઘડીયે તેના બે ઉમેદવારો ચંદ્રિકાબહેન ચુડાસમા અને ગૌરવ પંડયાના નામોની જાહેરાત કરી હતી. બીજીબાજુ, રાજયસભાની બંને બેઠકોની ચૂંટણી અલગ અલગ યોજવાના કેન્દ્રીય ચૂંટણી પંચના જાહેરનામાને પડકારતી કોંગ્રેસ દ્વારા સુપ્રીમકોર્ટમાં કરાયેલી પિટિશનમાં આજે સુપ્રીમકોર્ટે કોંગ્રેસને બહુ મોટો ઝટકો આપ્યો હતો અને ચૂંટણી પંચના નિર્ણયને બહાલ રાખ્યો હતો. જેને પગલે હવે રાજયસભાની બંને બેઠકોની ચૂંટણી અલગ-અલગ યોજાશે, પરિણામે, કોંગ્રેસ માટે આ ચૂંટણી હવે માત્ર એક ઔપચારિકતા બનીને રહી ગઇ છે તો, ભાજપની જીત મહ્દઅંશે નિશ્ચિત મનાઇ રહી છે. જો કે, સુપ્રીમકોર્ટમાંથી મળેલા ઝટકાના કારણે આજે કોંગ્રેસમાં ભારે હતાશા અને નિરાશાનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. રાજયસભાની ચૂંટણીને લઇ હવે કોંગ્રેસ હાઇકમાન્ડ શું નિર્ણય કરે છે અથવા તો કોઇ પ્રતિક્રિયા આપે છે કે કેમ તેની પર પણ સૌની નજર મંડાઇ છે.  ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સાંજે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વ હેઠળ ગાંધીનગર ખાતે કોંગ્રેસના ધારાસભ્યોની એક મહત્વની બેઠક યોજાઇ હતી, જેમાં રાજયસભાના સાંસદ એહમદ પટેલે ધારાસભ્યોને વિધાનસભા બજેટસત્રને લઇ માર્ગદર્શન આપ્યું હતું તો, બેઠકમાં રાજયસભાની ચૂંટણીને લઇ ગૌરવ પંડયા, ચંદ્રિકાબહેન ચુડાસમા, ડો.મનીષ દોશી, બાલુભાઇ પટેલ અને કરસનદાસ સોનેરી એમ પાંચ નામની યાદી કોંગી હાઇકમાન્ડને મોકલી અપાઇ હતી, જેમાંથી આખરે કોંગ્રેસ તરફથી ચંદ્રિકાબહેન ચુડાસમા અને ગૌરવ પંડયાના નામોને બહાલ કરી તેમને રાજયસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. કોંગ્રેસના આ બંને ઉમેદવારોએ પણ વિધિવત્ રીતે આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. સુપ્રીમકોર્ટમાંથી આજે મોટો ઝટકો મળ્યા બાદ કોંગ્રેસની છાવણીમાં નિરાશા છવાઇ ગઇ હતી કારણ કે, ગુજરાત કોંગ્રેસ માટે રાજયસભાની બંને બેઠકોની ચૂંટણી હવે માત્ર ઔપચારિકતા બનીને રહી ગઇ છે.

(7:33 pm IST)