Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

હવે દિવ્યાંગ રમતવીરો માટે નેશનલ ચેમ્પિયનશીપ રહેશે

સ્પેશ્યલ ઓલિમ્પિક્સ, ભારત-ગુજરાતનું આયોજન: પાંચથી ૯ જૂલાઇ દરમ્યાન ગાંધીનગરમાં દિવ્યાંગો માટે ખેલો ઇન્ડિયા સ્પર્ધા : દેશભરથી ૬૬૮ દિવ્યાંગો જોડાશે

અમદાવાદ,તા.૨૬: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, મીનીસ્ટ્રી યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ અને સ્પેશ્યલ ઓલિમ્પિક્સ, ભારત-ગુજરાત દ્વારા દેશમાં સૌપ્રથમવાર માનસિક ક્ષતિ ધરાવતાં દિવ્યાંગ રમતવીરો માટે ગુજરાતમાં ખેલો ઇન્ડિયા નેશનલ ચેમ્પિયનીશીપનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૫થી ૯ જૂલાઇ,૨૦૧૮ દરમ્યાન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા,ગાંધીનગર ખાતે આ ખેલો ઇન્ડિયા(દિવ્યાંગ) નેશનલ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના ૨૬ રાજયોમાંથી ૪૪૮ ભાઇઓ અને ૨૨૦ બહેનો રમતવીરો ભાગ લેશે. દિવ્યાંગ રમતવીરોને તેમના આગવા કૌશલ્ય મારફતે આ પ્લેટફોર્મ થકી પોતાની કારકિર્દી ઘડવામાં બહુ મદદ મળશે એમ અત્રે સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત-ગુજરાતના ચીફ પેટ્રોન અજય પટેલ પેટ્રોન રાકેશ શાહ અને સેક્રેટરી ડી.ડી.કાપડિયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્પેશ્યલ ઓલિમ્પિક્સ દ્વારા ભારતમાં આ વખતે સૌપ્રથમવાર માનસિક ક્ષતિ ધરાવતાં દિવ્યાંગ રમતવીરો માટે ખેલો ઇન્ડિયા નેશનલ ચેમ્પિયનશીપની સંપૂર્ણ જવાબદારી સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત-ગુજરાતને સોંપવામાં આવી છે. તા.૬ઠ્ઠી જૂલાઇ,૨૦૧૮ના રોજ સાંજે ૭-૦૦ વાગ્યે આ સ્પર્ધાની ઓપનીંગ સેરેમની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર ખાતે રાખવામાં આવી છે. દિવ્યાંગ રમતવીરો માટેની આ નેશનલ ચેમ્પિયનશીપમાં દિવ્યાંગ ભાઇઓ માટે ૧૯ રમતો અને દિવ્યાંગ બહેનો માટે ૧૯ રમતો મળી કુલ ૩૮ રમત-ગમતનો સમાવેશ કરાયો છે. જેમાં એથ્લેટીક્સ, એકવેટીક્સ, બોશી, બેડમીન્ટન, ફુટબોલ, ટેબલટેનીસ સહિતની રમતોનો સમાવેશ કરાયો છે. આ સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત, દેશના આંધ્રપ્રદેશ, અરૃણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરાલા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા, પોંડિચેરી, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, તેલાંગાણા, પશ્ચિમ બંગાળ સહિતના ૨૬ રાજયોમાંથી રાજયસ્તરે વિજેતા કુલ ૬૬ ૮ દિવ્યાંગ રમતવીરો ભાગ લેવા આવશે. દિવ્યાંગ રમતવીરો સાથે કોચ તરીકે ૧૦૫ ભાઇઓ અને ૬૩ બહેનો, ૨૫૦થી વધુ અધિકારીઓ, ૨૦૦ વોલેન્ટિયર્સ અને ૧૦૦થી વધુ ઓર્ગેનાઇઝર્સ મળી કુલ ૧૪૦૦ જેટલા લોકો સ્પર્ધાનો હિસ્સો બનશે એમ  સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત-ગુજરાતના ચીફ પેટ્રોન અજય પટેલ પેટ્રોન રાકેશ શાહ અને સેક્રેટરી ડી.ડી.કાપડિયાએ ઉમેર્યું હતું. દરમ્યાન સ્પેશ્યલ ઓલિમ્પિક્સ, ભારત-ગુજરાતના ચેરમેન જગદીશ પટેલ, વાઇસ ચેરમેન આર.જે.ચૌધરી અને જોઇન્ટ સેક્રેટરી હિતેશ પટેલ(પોચી)એ જણાવ્યું હતું કે, સ્પોર્ટસ ઓલિમ્પિક્સ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને તેણે આ વખતે માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ રમતવીરો માટે ભારતમાં સૌપ્રથમવાર નેશનલ ચેમ્પિયનશીપની જવાબદારી ગુજરાતને સોંપતાં ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીયકક્ષાએ ઝળહળશે. સ્પેશ્યલ ઓલિમ્પિક્સને આ જૂલાઇ માસમાં ૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે અને તેની ખાસ ઉજવણીના ભાગરૃપે દિવ્યાંગ રમતવીરો માટેની આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ ઉજવણીના ઉપલક્ષ્યમાં સમગ્ર વર્ષ દરમ્યાન માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ રમતવીરો માટે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

(9:56 pm IST)