Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

RTE હેઠળ બાળક પ્રવેશથી વંચિત રહેશે તો જન આંદોલન

હાર્દિકે શિક્ષણમંત્રીને પત્ર પાઠવી ચીમકી આપી: ભાજપની સરકાર ગુજરાતમાં આરટીઈ એક્ટનો અમલ કરવામાં નિષ્ફળ રહી હોવાનો હાર્દિક પટેલે આરોપ કર્યો

અમદાવાદ,તા.૨૬: રાજયમાં આરટીઇ એકટ હેઠળ પ્રવેશ આપવામાં ખાનગી શાળાઓ દ્વારા થઇ રહેલા ધાંધિયા અને ગરીબ તેમ જ જરૃરિયાતમંદ બાળકો પ્રવેશથી વંચિત રહી ગયા હોવાના મામલે હવે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ખુલ્લો પત્ર લખી મોટા જનઆંદોલનની ચીમકી આપી છે. હાર્દિકે પત્રમાં આરટીઈના અમલમાં થતાં ઠાગાઠૈયા અંગે રોષ વ્યક્ત કર્યો છે અને તેણે પત્રમાં શિક્ષણમંત્રીને ચીમકી આપતાં જણાવ્યું છે કે, જો ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ શાળાઓમાં પ્રવેશ નહી મળે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત રાજયમાં મોટું જન આંદોલન છેડવામાં આવશે. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું છે કે, આરટીઈ એક્ટ હેઠળ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. જેમાં ૫થી ૧૪ વર્ષની વયજૂથના તમામ બાળકોને તત્કાલીક પ્રવેશ આપવો જરૃરી છે. પરંતુ હજુ પણ ૩૦,૦૦૦થી વધુ ગરીબ બાળકો પ્રવેશથી વંચિત છે. જેનું મુખ્ય કારણ છે ખાનગી શાળા સંચાલકોની વધતી જતી દાદાગીરી અને મનમાની. ગરીબ બાળકોના ભવિષ્ય સાથે સૌથી મોટો અન્યાય છે. ગુજરાતની ભાજપ સરકાર આરટીઈ એક્ટનો અમલ કરવામાં નિષ્ફળ રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. આરટીઈ એક્ટ મુજબ જો કોઈ બાળકને પ્રવેશ મળે છે તો પણ તે બાળક સાથે અમીરી ગરીબીનો ભેદભાવ થાય છે અને આ ભેદભાવ ભારતના બંધારણનું અપમાન કરે છે. આરટીઈ એક્ટ હેઠળ ગરીબ બાળક તરીકે પ્રવેશ લેવો એ ગુનો નથી. છતાં શાળા સંચાલકો આ બાળકો સાથે અમીરી ગરીબીનો ભેદભાવ રાખી સામાન્ય બાળક અને આરટીઈ હેઠળના બાળકોના વર્ગખંડ અલગ અલગ રાખીને ગરીબી અને અમીરી વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું ષડયંત્ર થઇ રહ્યું છે. આ સંજોગોમાં સરકારે તાત્કાલિક આ મામલે યોગ્ય પગલાં લેવા જોઇએ. નહી તો એવું ના થાય  કે, ગુજરાતમાં શિક્ષણના મામલે મોટું જન આંદોલન થઇ જાય.

(9:47 pm IST)