Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી : તંત્ર સજ્જ

ગુજરાત પ્રદેશ ઉપર મોનસુન જોરદારરીતે સક્રિય થઇ રહ્યું છે: ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વરસાદી ઝાપટા ચાલુ રહેશે : અમદાવાદમાં પણ હળવા વરસાદી ઝાપટાની સંભાવના

અમદાવાદ,તા.૨૬: દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અન્ય ભાગોમાં હાલમાં વરસાદ પડ્યા બાદ ફરી એકવાર બ્રેકની સ્થિતિ આવી ગઈ છે. જો કે, ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ જારી રહ્યો છે. ગુજરાત ઉપર અપરએર સાયક્લોનની સ્થિતિ પ્રવર્તી રહી છે. ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ તંત્ર હજુ પણ સાવધાન છે. આજે અમદાવાદ અમદાવાદમાં મહત્તમ તાપમાન ઘટીને ૩૫.૧ ડિગ્રી થયું હતું. રાજ્યના તમામ ભાગોમાં પારો ૪૦થી નીચે પહોંચી ગયો છે. એકમાત્ર ગાંધીનગરમાં પારો આજે ૪૦ રહ્યો હતો. અમદાવાદમાં પણ  હળવા વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને કેટલાક ભાગોમાં તો વરસાદી પ્રકોપની સ્થિતિની પણ શકયતા હતી કારણ કે, ગુજરાતના ચોમાસા માટે બે સીસ્ટમનું જોર બની રહ્યું હતુ પરંતુ આ ખતરો હવે ટળ્યો છે. તેને લઇ હવે રાજયમાં વરસાદી જોર ઘટવાની પૂરી શકયતા છે. સૂત્રોના મતે, ઉત્તર કોંકણથી દક્ષિણ ગુજરાત સુધીના વિસ્તારમાં એક સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થઈ ગયું હતું, તેમજ કેરળથી દક્ષિણ ગુજરાતના સમુદ્ર તટમાં પણ ઓફશોર ટર્કની સ્થિતિ છવાયેલી જોવા મળી હતી.આમ આ બંને સિસ્ટમને લઇ ગુજરાતના ચોમાસામાં વરસાદી જોરની વધુ અસર જોવા મળે તેવી દહેશત પ્રવર્તતી હતી. જો કે, ચોમાસાની વરસાદી પરિસ્થિતની સમીક્ષા માટે આજરોજ રાજયના  અધિક મુખ્ય સચિવ પંકજકુમારની ઉપસ્થિતિમાં યોજાયેલી  બેઠકમાં વરસાદની સ્થિતિ વિષે જાણકારી આપતાં હવામાન વિભાગના અમદાવાદ ખાતેના ડાયરેકટર ડૉ. જયંત સરકારે જણાવ્યું હતું કે, સોમવારની સાંજે ગુજરાત પર સ્થિત ઓફ શોર ટર્કનો ખતરો વિખેરાઇ ગયો છે અને હવે અપર એર સાયકલોનિક સરક્યુલેશન પૂર્વ-મધ્ય ગુજરાતથી મધ્ય ભારત તરફ ફંટાયું છે, પરિણામે ગુજરાત રાજયમાં વરસાદનું જોર સોમવારની સરખામણીએ ઓછું થયું છે. જો કે, તેમણે આગામી ૨૪ કલાકમાં પૂર્વીય મધ્ય ગુજરાતના વિસ્તારો છોટાઉદેપુર, પંચમહાલ, મહિસાગર, તથા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર તથા સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, ઓખા ઉપરાંત કચ્છમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ચોમાસાની શરૃઆત હોવાથી લગભગ રાજ્યમાં સર્વત્ર છૂટાછવાયો વરસાદ પડવાની શક્યતા પણ તેમણે જણાવી હતી. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા એન.ડી.આર.એફ.ની ૧૩ ટીમોને આગોતરા પગલાં તરીકે અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ, સુરત, તાપી, સાબરકાંઠા, છોટાઉદેપુર, ખેડા, વડોદરા અને વલસાડમાં પહેલેથી જ તૈનાત કરવામાં આવી છે અને તમામ ટીમોને સાબદા રહેવા પણ ખાસ સૂચના જારી કરાયેલી છે.

(9:38 pm IST)