Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

એસજી હાઇવે નજીક વાહન ચોરતી ગેંગ આખરે પકડાઇ

સોલા પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા : પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના ૩ બાઇક અંતે જપ્ત કર્યા : પકડાયેલા પૈકી બે આરોપીઓ પાટણના સમીના

અમદાવાદ,તા.૨૬ :  શહેરનાં એસ.જી. હાઇવે પર આવેલા વિવિધ ગાર્ડનની બહારથી ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી વાહન ચોરી કરતી ગેંગની સોલા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરાયેલા ચાર આરોપીઓ પાસેથી ચોરીના ત્રણ બાઇક પણ કબજે કર્યાં છે. પકડાયેલા ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓ તો, પાટણના સમીના રહેવાસી છે અને સિંધુ ભવન રોડ, સોલા સાયન્સ સિટી જેવા વિસ્તારોમાં તેઓ વાહન ચોરી કરવા પાટણથી અમદાવાદ આવતા હતાં.

   છેલ્લા કેટલાક સમયથી સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ વાહન ચોરીના કિસ્સા બનતા હોઇ પીએસઆઇ ગોસ્વામી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાનમાં પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભરત ઠાકોર (ઉ.વ. ર૧, રાયસણ, ગાંધીનગર), જયેશ ઠાકોર (ઉ.વ. ૧૯, રહે. વડનગર), સંજયપુરી ગોસ્વામી (ઉ.વ. રપ, રહે બાસપા, સમી) અને મહેશ ઠાકોર (ઉ.વ. ર૦, રહે બાસપા, સમી)ને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ત્રણ બાઇક કબજે કર્યાં હતાં. પોલીસે ચારેય આરોપીઓની પૂછપરછ કરતાં બે બાઇક સિંધુ ભવન રોડ પર ગોટિલા ગાર્ડન બહારથી ચોરી કર્યા હતા. જ્યારે અન્ય એક બાઇક સોલા સાયન્સ સિટી રોડ પર આવેલા ગાર્ડનની બહારથી ચોરી કર્યું હતું. પોલીસની તપાસમાં એવી હકીકત પણ સામે આવી હતી કે, પકડાયેલા આરોપીઓ પૈકી સંજયપુરી ગોસ્વામી અને મહેશ ઠાકોર પાટણ જિલ્લાના સમીના વતની છે અને તેઓ વાહન ચોરી કરવા પાટણથી અમદાવાદમાં આવતા હતા. તેઓ વાહન ચોરતી આ ગેંગમાં સક્રિયા ભૂમિકા ભજવતા હતા. સાલો પોલીસે ચારેય આરોપીઓ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(7:33 pm IST)