Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

પેટલાદ તાલુકાના પંડોળીમાં રાત્રીના સમયે યુવાનના ગળા પર છરીથી જીવલેણ હુમલો થતા અરેરાટી

પેટલાદ: તાલુકાના પંડોળી ગામે બનુમીંયા ઈમામમીંયા મલેક રહે છે. ગઈકાલે રાત્રીના સુમારે ખંભાત તાલુકાના પીપળોઈ ગામે રહેતો યાકુબખાન નીઝામખાન પઠાણ વાહન લઈને આવ્યો હતો અને તેમના પુત્ર મયુદ્દીનને જાનવર ખરીદવા માટે જવાનું છે તેમ જણાવીને બોલાવીને લઈ ગયો હતો. રાત્રીના દશેક વાગ્યાના સુમારે જેસરવા રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે યાકુબે પેશાબ કરવાના બહાને વાહન ઉભુ રાખ્યું હતુ અને પોતાની પાસેની છરીથી એકદમ હુમલો કરીને ગળાના ભાગે મારી દેતાં મયુદ્દીન ગંભીર રીતે ઘવાયો હતો. 

જીવલેણ હુમલો કર્યા બાદ યાકુબખાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ તરફ જતા આવતા વાહનની મદદથી મયુદ્દીન પેટલાદની સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો જ્યાં પોલીસ સમક્ષ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા યાકુબખાનને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો છે તે હજી સ્પષ્ટ થયુ નથી પરંતુ ઈજા પામનાર અને હુમલો કરનાર કૌટુંબિક સગા થાય છે. યાકુબખાન પઠાણ ઝડપાયા બાદ જ હુમલા પાછળનું સાચુ કારણ બહાર આવે તેમ છે.

(5:44 pm IST)