Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

કપડવંજ તાલુકા નજીક પિયરે ગયેલ પત્નીને તેડવા ગયેલ પતિએ પત્ની સહીત સાસરિયા પર જીવલેણ હુમલો કર્યો

કપડવંજ:તાલુકાના માલઈંટાડી તાબેના ઊંટડીની પાટ ભીલીયામાં વહેમીલા પતિના ત્રાસથી કંટાળેલી પત્ની છેલ્લાં બે વર્ષથી પિયરમાં રહેતી હતી. જેથી વહેલી સવારે પત્નીને તેડી લાવવા ગયેલ પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં પત્ની ઉપર ધારિયાથી હુમલો કરતા સાસરીયાવાળા જાગી ગયા હતા ત્યારે જમાઈએ જાગી ગયેલા સસરાને પથારીમાં જ ઉપરા છાપરી ધારિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતાં. આ હુમલામાં છોડાવવા દોડી આવેલ સાસુને પણ જમાઈએ ધારીયું મારતા ઈજા પહોંચી હતી. આ બનાવના પગલે નાનકડા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ તાલુકાના માલઈંટાડી તાબેના ઊંટડીની પાટ ભીલીયામાં પુનમભાઈ ભુલાભાઈ રાવલ રહે છે. પુનમભાઈની દીકરી મીનાબેન ઉર્ફે ટીનીના બાળલગ્ન કપડવંજ તાલુકાના ઓનરોલી ગોપાલપુરામાં રહેતા છોટુભાઈ ચંદુભાઈ રાવલ સાથે થયા હતા. સુખી લગ્નજીવનના ફળ સ્વરૂપે એક દીકરો થયો હતો. શરૂઆતમાં છોટું પંચમહાલના હાલોલમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. બાદમાં પોતાના વતનમાં ખેતી કરી જીવન નિર્વાહ કરતો હતો. પરંતુ દારૂના વ્યસને ચઢવા ઉપરાંત પત્ની ઉપર વહેમથી પીડાતો હતો. જેથી અવારનવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. જેથી પતિના ત્રાસથી કંટાળી મીનાબેન પિયરમાં જતી રહી હતી અને છેલ્લાં બે વર્ષથી પિયરમાં રહેતી હતી. જ્યારે તેનો દીકરો મનોજ (ઉં. ૧૯ વર્ષ) હાલમાં પિતા સાથે આંતરોલી ગોપાલપુરા ગામે રહે છે. જેથી છોટુભાઈ અવારનવાર પત્નીને સાસરીમાં આવવા દબાણ કરતો હતો પરંતુ મીનાબેન પતિના ત્રાસથી કંટાળેલ હોઈ સાસરીમાં જવા ના પાડતી હતી. બીજી બાજુ પત્નીને અવારનવાર સમજાવવા છતાં આવતી ન હોઈ પતિ છોટુભાઈ ભારે રોષે ભરાયો હતો. જેથી આજે વહેલી સવારે ચાર વાગે છોટુભાઈ પોતાના મિત્રને સાથે લઈ પત્નીને બળજબરીથી બોલાવી જવા સાસરીમાં ગયો હતો. જ્યાં સાસરીયા ઘસઘસાટ નીંદર માણતા હતા ત્યારે છોટુભાઈએ પત્ની મીનાબેનને જગાડી પોતાની સાથે લઈ જવા બળજબરી કરી હતી. જેથી બંને વચ્ચે બોલાચાલી થતા છોટુભાઈએ પત્ની મીનાબેનને જમણા ગાલ તેમજ મોઢા ઉપર ધારીયું મારતા ગંભીર ઈજા થઈ હતી.
આમ વહેલી સવારે રીસામણે બેઠેલ પત્નીને બોલાવી જવા સાસરીમાં આવેલ જમાઈ અને તેના મિત્રએ ધારિયાથી હિચકારો હુમલો કર્યાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા. આ બનાવની જાણ થતા કપડવંજ રૂરલ પોલીસના અધિકારી પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.અને મૃતકની લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી જ્યારે ઘવાયેલા માતા-પુત્રીને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા.

(5:43 pm IST)