Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

દલિત યુવકે બાઇક પર લગાવ્યું શિવાજીનું સ્ટીકર : ટોળાએ કરી ધોલાઇ

વધી રહી છે અત્યાચારની ઘટનાઓ

પાલનપુર તા. ૨૬ : મહેસાણાના બહુચરાજી તાલુકાથી ૧૦ કિલોમીટર દૂર આવેલા આકબા ગામમાં ૮-૧૦ લોકોના ટોળા દ્વારા એક ૧૮ વર્ષીય દલિત યુવકની ધોલાઈ કરી હોવાની ઘટના સામે આવી છે.

પોતાની બાઈક પર શિવાજીનું સ્ટીકર લગાવવાને કારણે જયદેવ પરમાર નામના યુવક સાથે મારપીટ કરવામાં આવી હતી. સોમવારના રોજ પોલીસે વીરસંઘ ઝાલા(૧૯), રાણુભા ઝાલા(૨૦), રામજી ઝાલા(૩૭), વિક્રમસિંહ ઝાલા(૧૯) અને દાનભા ઝાલા(૨૧) નામના પાંચ યુવકોની ધરપકડ કરી છી. IPC અને એટ્રોસિટી એકટની અલગ અલગ કલમો અંતર્ગત તેમના વિરુદ્ઘ ગુનો નોંધવામાં આવ્યો છે.

જયદેવ પરમારે ફરિયાદમાં જણાવ્યું કે, તેણે જયારથી બાઈક પર શિવાજીનું સ્ટીકર લગાવ્યું ત્યારથી ગામના અમુક લોકો તેને હેરાન કરતા હતા. જયદેવના પરિવારના એક ૭૦ વર્ષીય મહિલા ચાંચલ પરમારે જયારે તેને બચાવવાનો પ્રયત્ન કર્યો તો તેમની સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો. જયદેવ અને તે મહિલાને બહુચરાજીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના એકિટવિસ્ટ રમેશ પરમાર જણાવે છે કે, બહુચરાજી તાલુકા અને મેહસાણા જિલ્લામાં દલિતો સામેના અત્યાચારની ઘટનાઓ વધી રહી છે. તેમણે આગળ જણાવ્યું કે, તાજેતરમાં જ વિઠ્ઠલપુરમાં એક દલિત યુવાનને માર મારવામાં આવ્યો હતો. આ પહેલા બેચર ગામમાં દલિતોને કુવામાંથી પાણી ભરવા દેવામાં નહોતા આવતા. રાંતેજ ગામના મેળામાં દલિતોને અલગ પંગતમાં જમવા બેસાડવામાં આવ્યા હતા. આ સિવાય બહુચરાજી તાલુકામાં દલિત યુવાનોને લગ્ન સમયે વરઘોડો કાઢવાની મંજૂરી નથી, તે લોકો મંદિરમાં પ્રવેશી નથી શકતા અને ગામના સ્મશાનમાં અંતિમક્રિયા પર પણ પ્રતિબંધ છે.(૨૧.૯)

(1:59 pm IST)