Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ગુજરાતથી ૫૦,૦૦૦ યાત્રાળુ અમરનાથ પહોંચશે

તા. ૨૮મીથી અમરનાથ યાત્રા : ગત વર્ષે ૨,૬૦,૦૦૩ યાત્રાળુઓએ બાબા અમરનાથનાં દર્શન કર્યા હતા

અમદાવાદ તા. ૨૬ : આ વર્ષે પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ તા.૨૮મી જૂનનાં રોજ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાંથી આ યાત્રામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જતાં હોય છે. આ વર્ષે પણ ૫૦,૦૦૦થી વધુ યાત્રાળુઓ બાબા બર્ફાનીનાં દર્શનાર્થે પહોંચશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે, વર્ષ-૨૦૧૭માં ૪૦ દિવસમાં ૨,૬૦,૦૦૩ યાત્રાળુઓએ દર્શન કર્યા હતા. જયારે આ વર્ષે ૬૦ દિવસ મળવાના હોવાથી યાત્રાળુઓની સંખ્યા પણ વધે તેવી શકયતાઓ છે.

અમરનાથ તીર્થધામ સમુદ્રતળથી લગભગ ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઇએ આવેલું છે. અહીં જે બરફનાં પ્રાકૃતિક શિવલિંગનું નિર્માણ થાય છે, તેની ઊંચાઇ લગભગ ૧૦ ફૂટ જેટલી હોય છે. ચંદ્રની કળાઓની વધ-ઘટની સાથે પણ આ બરફનાં શિવલિંગનાં આકારમાં વધ-ઘટ થતી રહેતી હોય છે.

આ વર્ષે આતંકવાદી હુમલાઓની શકયતા હોવા છતાં યાત્રાળુઓની સંખ્યા ગત વર્ષ કરતાં પણ વધુ રહેશે અને દર વર્ષે ૫૦,૦૦૦ કરતાં પણ વધુ ગુજરાતના યાત્રાળુઓ બાબા અમરનાથનાં દર્શન કરતાં હોય છે. જોકે, અત્યારે બાબા અમરનાથનું બરફનું શિવલિંગ અદ્ભુત સ્વરૂપે દર્શન આપવા સજ્જ છે, તેવી માહિતી સ્થાનિકો દ્વારા મળી રહી છે.(૨૧.૮)

(9:51 am IST)