Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

સુરતના ઉધના વિસ્‍તારમાં મસ્જિદની અંદર આવેલ મજારમાં દિલના ધબકારા જેવો અવાજ આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યાઃ મજાર ઉપરની ચાદર અને ફુલોના હાર હલતા હોય તેવા દ્રશ્યો મોબાઇલમાં કેદ કર્યા

સુરતઃ સુરતના ઉધના વિસ્તારમાં એક ચમત્કાર જોવા મળ્યો છે. ચમત્કારના સમાચાર મળતા જ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મસ્જિદની કબરમાં દિલના ધબકારા જેવી હલચલ જોવા મળતા મોટી સંખ્યામાં લોકો અહીં દર્શને ઉમટી પડ્યા હતા.

મળતી માહિતી મૂજબ ઉધના વિસ્તારમા દરવાજા નજીક કબર પર ચમત્કાર થયો હતો. જેમા મસ્જિદની કબરમાં દિલના ધબકારા જેવો અવાજ આવતા લોકો દિદાર કરવા ઉમટી પડ્યા હતા. આ ઘટના બાદ લોકો ઉમટી પડતા પોલીસ પણ લોકોની સલામતી માટે પહોંચી ગઇ હતી.

બાલાપીરની દરગાહમાં જે મઝાર છે તે હાલી રહી છે. મઝાર શ્વાસ લઈ રહી હોવાના આ ચમત્કારની વાતે ધીરે ધીરે અહીં ભીડ એકઠી થવા માંડી હતી. મુસ્લિમ બિરાદરો શ્રદ્ધાથી, તો અન્યો કુતૂહલથી વશ થઈ અહી એકઠા થયા હતા. શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામતા દરગાહના દરવાજા બંધ કરી દેવાયા હતા. જેઓ પહેલા દરગાહમાં પહોંચ્યા તેઓએ અહી મોબાઈલમાં શુટિંગ કર્યું છે. મઝાર ઉપરની ચાદર તથા ફૂલોના હાર હાલતા હોય એવા દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા હતા.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં એવા અનેક મંદિર, મસ્જિદ અને દરગાહ છે. જ્યાં સતત પ્રજ્વલિત જ્યોતને એક ચમત્કાર માનવામાં આવે છે. પરંતુ આ મસ્જિદમાં કંઇક અલગ જ ચમત્કાર જોવા મળતા મુસ્લિમ સમુદાય દિદાર કરવા એકઠા થયા હતા.

(6:15 pm IST)