Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

બોરસદ તાલુકાના બોચાસણ નજીક પોલીસે વોચ ગોઠવીને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડયા

આણંદ: આણંદ એલસીબી પોલીસે બોરસદ તાલુકાના બોચાસણ ટોલનાકા નજીક વોચ ગોઠવીને ચાલુ વાહને આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ખંભાતના શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે તેની વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ એલસીબી પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલીંગમાં હતી દરમિયાન બોરસદ તાલુકાના બોચાસણ ગામના ટોલનાકા નજીક પોલીસ વોચમાં હતી ત્યારે ધર્મજ તરફથી એક લક્ઝુરીયસ કાર આવી ચઢતાં પોલીસે તેને અટકાવી હતી. પોલીસે કારમાં ચાલકની બાજુમાં બેઠેલા શખ્સ પાસેથી મોબાઈલ લઈ તપાસ કરતા આઈપીએલમાં ચાલી રહેલી મુંબઈ અને લખનૌ વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન સટ્ટો રમતો હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે તેના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે પિનાકીન લક્ષ્મીનારાયણભાઈ બ્રહ્મભટ્ટ (રહે.ખંભાત) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી રોકડા રૂા.૩૫૦૦ તેમજ મોબાઈલ મળી કુલ્લે રૂા.૭૩૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી વધુ પુછપરછ કરતા ઓનલાઈન સટ્ટો રમવાનું આઈડી સિકંદર નામના શખ્સ પાસેથી લીધુ હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે આ અંગે બંને વિરૂધ્ધ બોરસદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

(6:52 pm IST)