Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વડોદરાના જુદા જુદા વિસ્તારમાં જાહેરમાં ગંદકી કરતા શખ્સોને ફટકારવામાં આવશે દંડ

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના તમામ ૧૯ વોર્ડમાં જાહેરમાં ગંદકી કરતા લોકોને વારંવાર સૂચના આપવા છતાં હજી જ્યાં ત્યાં કચરો ફેંકીને ગંદકી કરતા રહે છે. કોર્પોરેશનનું તંત્ર આવા તત્વોને દંડિત કરવા માટે રોજ ઝુંબેશ ચાલુ રાખશે.

વડોદરા કોર્પોરેશને તા.૧૧થી તા.૨૪  સુધીમાં ૧૧ દિવસ ચલાવેલી ઝુંબેશમાં તમામ વોર્ડમાં ૩૫૯૮ પાવતી ફાડી હતી અને ૪,૨૪,૭૯૦ રૃપિયાનો દંડ કર્યો હતો.

કોર્પોરેશન દ્વારા વડાપ્રધાનના જન્મદિનથી સ્વચ્છતા અભિયાન હેઠળ 'મારી બીટ - સ્વચ્છ બીટ' અંતગર્ત સામૂહિક સફાઇ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. આ સ્વચ્છતા અભિયાન અંતગર્ત વહીવટી વોર્ડ નં. ૧ થી ૧૯માં ગંદકી કરતા લોકોને દંડિત કર્યા હતા. સ્વચ્છોત્સવ અંતગર્ત શહેરીજનોને ગંદકી નહીં કરવા અને સ્વચ્છતા જાળવવા કોર્પો. દ્વારા અપીલ કરવામાં આવી છે. દરમિયાન સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે લોકોને સૂચના આપવા છતાં જાહેરમાં પાણી ઢોળીને ગંદકી કરે છે.

 રોડની સફાઇ બાદ કચરો ફેકે છે. એંઠવાડ જ્યાં ત્યાં ઠાલવે છે. ડોર-ટુ-ડોરની ગાડી કચરો લેવા આવે છે, છતાં ગાડીમાં કચરો નાખતા નથી અને બહાર ફેંકે છે. કોર્પોરેશન કચરાના ઓપનસ્પોટ નાબૂદ કરવાની છે અને જ્યાં લોકોએ ઓપનસ્પોટ ઊભા કરી દીધા છે, ત્યાં સીસીટીવીથી મોનિટરિંગ કરીને કચરો નાખનાર લોકોને દંડિત કરવામાં આવશે. ચાલુ વાહને જતા લોકો રોડ પર થૂંકતા હોય છે અને પાનપડીકીની પિચકારી મારે છે, આવા ગંદકી કરનાર લોકો પર પણ સીસીટીવીની વોચ રાખીને દંડ કરવાનું ચાલુ કરાયું છે.

(6:51 pm IST)