Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમની વિવિધ સમિતિઓની ત્રિ-માસિક બેઠક યોજાઈ

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવાની વિશેષ ઉપસ્થિતિ અને નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધીના અધ્યક્ષસ્થાને તેમની ચેમ્બરમાં નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમની વિવિધ સમિતિઓની ત્રિ-માસિક સમીક્ષા બેઠક યોજાઈ હતી.
  દિવ્યાંગધારા અમલીકરણ સમિતિ, નેશનલ ટ્રસ્ટ એકટ હેઠળ કાર્યરત લોકલ લેવલ કમિટી, જિલ્લા બાળ સુરક્ષા સમિતિ સહિત બાળ કલ્યાણ સમિતિની યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ ગ્રામ્ય કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની બેઠકોનું આયોજન કરીને બાળ સુરક્ષાને લગતી વિવિધ યોજનાઓનો લાભ વધુમાં વધુ બાળકો સુધી પહોંચે તે અંગે જરૂરી સુચનો કર્યા હતા.
  નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધીએ યોજનાનો વ્યાપ વધારવા અંગે અને વધુમાં વધુ લાભ લાભાર્થીઓને મળી રહે તે અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત નિવાસી અધિક કલેક્ટરે જિલ્લા બાળ સુરક્ષા વિભાગની થઈ રહેલી કામગીરીને બિરદાવી હતી.
  ઇન્ચાર્જ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી બી. જે. પરમાર તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર દ્વારા કચેરીની કામગીરી, વિશિષ્ઠ સાફલ્ય ગાથાઓ, યોજનાકીય કામગીરી તેમજ સરકાર દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવતા પરીપત્રો અંગે વિસ્તુતમાં ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક પી.આર.પટેલ, આરોગ્ય વિભાગના પ્રતિનિધિ ડો.મુકેશ.બી.પટેલ સહિત જિલ્લાના વિવિધ વિભાગના પ્રતિનીધીઓ હાજર રહ્યાં હતા

(10:13 pm IST)