Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિદેશ પ્રવાસના કારણે વિકસિત દેશો પણ ભારતને આશાની નવી નજરથી જોતા થયા છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

આધુનિક વિશ્વના ઈતિહાસમાં કદાચ પહેલીવાર આવું બન્યું હશે કે એક સાર્વભૌમ રાષ્ટ્રના વડા બીજા સાર્વભૌમ રાષ્ટ્રના વડાને પગે લાગ્યા હોય: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અલ્બેનીઝે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, “મોદી ઈઝ ધ બોસ”

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાપાન, પાપુઆ ન્યુ ગીની અને ઔસ્ટ્રેલિયા દેશોના પ્રવાસની સફળતાની ભરપૂર પ્રશંસા કરી છે.

આ સંદર્ભે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન ૧૯ મેના રોજ જાપાન પહોંચ્યા, ત્યાંથી છ દિવસમાં તેમણે જાપાન, પાપુઆ ન્યુ ગીની અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. વડાપ્રધાનએ ૨૦થી વધુ દેશોના વડાઓને મળ્યા અને તેમણે ૪૦થી વધુ મીટિંગમાં ભાગ લીધો હતો. ઘણી દ્વિપક્ષીય બેઠકોમાં વડાપ્રધાનશ્રીએ ભારતના વિકાસ તેમજ વૈશ્વિક વિકાસનું વિઝન રજૂ કરી અને ભારતની સિદ્ધિઓ વિશ્વ સમક્ષ મૂકી છે.  
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ વિશ્વપ્રિય નેતા છે. દુનિયાના વિવિધ દેશો અને ત્યાંના વડાઓએ જે રીતે ભારતના વડાપ્રધાનનું સ્વાગત કર્યુ છે એ તેમની પ્રચંડ લોકપ્રિયતાને દર્શાવે છે. તેમ જ આ વૈશ્વિક ફલક પર ભારતના વધી રહેલા કદને દર્શાવે છે. આજે દુનિયાના અનેક દેશ ભારતને આશા ભરી નજરે જોઈ રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અનેક દેશોનો અવાજ બની રહ્યું છે.
વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, ૨૧ મેના રોજ જ્યારે નરેન્દ્રભાઈ મોદી પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા ત્યારે ત્યાંના પ્રધાનમંત્રી જેમ્સ મોરાપેએ તેમનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું હતું.
 નરેન્દ્રભાઈ પ્રત્યે સન્માન વ્યક્ત કરતા તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પગે લાગ્યા હતા. આધુનિક વિશ્વના ઈતિહાસમાં કદાચ પહેલીવાર આવું બન્યું હશે કે એક સાર્વભૌમ રાષ્ટ્રના વડા બીજા સાર્વભૌમ રાષ્ટ્રના વડાને પગે લાગ્યા હોય. આ મોદીસાહેબનું સન્માન છે, આ ભારતનું સન્માન છે, અને ભારતના સંસ્કારોનું સન્માન છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ વડાપ્રધાનના આસ્ટ્રેલિયા પ્રવાસને યાદ કરતા જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયામાં આપણા વડાપ્રધાનનું ખૂબ સ્નેહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અલ્બેનીઝે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, “મોદી ઈઝ ધ બોસ”.નરેન્દ્રભાઈ મોદીના આ પ્રવાસ દરમ્યાન તેમને પાપુઆ ન્યૂ ગીની અને ફિજીએ પોતાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી નવાજ્યા છે.
વડાપ્રધાનના આ પ્રવાસ દરમિયાન ભારત વિકાસશીલ દેશોના લીડર તરીકે ઊભરી આવ્યું છે અને વિકસિત દેશો પણ ભારતને આશાની નવી નજરથી જોતા થયા છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિશ્વભરમાં મળેલું આ સન્માન માત્ર તેમનું સન્માન જ નથી, આ ભારતના ૧૩૦ કરોડ લોકોનું સન્માન છે અને વિશેષ કરીને આ ગુજરાતનું પણ સન્માન છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

(9:06 pm IST)