Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ઇ-કોમર્સ અને ઓનલાઇન વર્ક વધતા સ્‍ટેશનરીની વસ્‍તુના ઉપયોગમાં ઘટાડોઃ સરકારી કચેરીમાં 30 ટકા, કોર્પોરેટ ઓફિસોમાં 50 ટકા સ્‍ટેશનરીની માંગ ઘટીઃ વેપારીઓ અન્‍ય ધંધો તરફ વળ્‍યા

છેલ્લા 10 થી 12 વર્ષથી સ્‍ટેશનરી પ્રોડક્‍ટસના વેંચાણમાં સતત ઘટાડાથી વેપારીઓ મુશ્‍કેલીમાં

અમદાવાદઃ ડિજિટલાઇઝેશનનો ઉપયોગ વધુ થતા અને રો-મટીરીયલ્‍સના ભાવમાં વધારો થતા અને સરકારી કચેરીમાં 30 ટકા તથા કોર્પોરેટર ઓીફસમાં 50 ટકા સ્‍ટેશનરીની માંગમાં ઘટાડો થતા નાના વેપારીઓ મુશ્‍કેલીમાં મુકાતા અન્‍ય ધંધા તરફ વળ્‍યા છે.

આ ડિજિટલાઇઝેશનનો જમાનો ચાલી રહ્યો છે. અત્યાર સુધી કાગળ અને પેનથી થતાં અનેક કામો હવે ઓનલાઇન થવા લાગ્યા છે. ટેક્નોલોજીનો ફાયદો હોય છે તો તેના કેટલાક નુકસાન પણ હોય છે. કમ્પ્યૂટર, મોબાઇલ અને ડિજિટલાઇઝેશનના ચલણમાં વધારો થતાં સ્ટેશનરીના વેપારીઓ સામે સંકટ ઉભુ થઈ ગયું છે. છેલ્લા 10-12 વર્ષથી સ્ટેશનરી પ્રોડક્ટ્સના વેચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

સ્ટેશનરીના વેપારીઓ પરેશાન

ઈ-કોમર્સ અને ઓનલાઇન વર્ક વધવાને કારણે સ્ટેશનરીની અનેક વસ્તુના ઉપયોગમાં ઘટાડો થઈ ગયો છે. જેના કારણે સ્ટેશનરીના અનેક નાના વેપારીઓ સામે સંકટ ઉભુ થયું છે. સ્કૂલમાં નોટબુક અને આન્સર શીટના ઉપયોગમાં પણ ઘટાડો થયો છે. તો સ્માર્ટ ક્લાસ અને ઓએમઆર પદ્ધતિને કારણે પણ સ્ટેશનરીઓના વેચાણમાં ઘટાડો થયો છે. આ સિવાય ઘણી શાળાઓએ પોતાના સ્ટોર્સ શરૂ કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

તો સરકાર દ્વારા ધોરણ 1થી 8ના પાઠ્ય પુસ્તકો ફ્રીમાં અપાતા તેની અસર પણ નાના વેપારીઓ પર પડી છે. આ સાથે સરકારી કચેરીમાં સ્ટેશનરીની ડિમાન્ડ 30 ટકા સુધી ઘટી છે. કોર્પોરેટ ઓફિસોમાં પણ પહેલાના પ્રમાણમાં સ્ટેશનરીની માંગ 50 ટકા ઘટી છે. તો ઘણા સમયથી રો-મટિરિયલના ભાવમાં વધારો થવાને કારણે નોટબુક સહિત સ્ટેશનરીની માંગમાં 50 ટકાનો ઘટાડો થઈ ગયો છે.

સ્ટેશનરી સાથે શરૂ કર્યો બીજો ધંધો

સ્ટેશનરીની માંગમાં સતત ઘટાડો થતાં નાના વેપારીઓ માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે. તેમની આવકમાં પણ ઘટાડો થયો છે. હવે નાના સ્ટેશનરીના વેપારીઓ બીજા ધંધા તરફ વધી ગયા છે. તે હવે સ્ટેશનરીની સાથે ગિફ્ટ આર્ટિકલની વસ્તુઓનું વેચાણ કરવા લાગ્યા છે. વેપારીઓ લંચબોક્સ, પાણીની બોટલ, ચા-કોફી માટેના મગ અને ગિફ્ટ સહિતની અન્ય વસ્તુનું વેચાણ કરી રહ્યાં છે.

આ વસ્તુઓ બજારમાંથી થઈ ગુમ

ઇન્ક પેન

ડુપ્લીકેટ પેપર

કાર્બન પેપર

ડુપ્લીકેટીંગ ઇંક

બુક ઓફ એકાઉન્ટ

ઓફીસ ફાઇલ

ઘોડા ફાઇલ

સ્ટેનો બુક

ડેસ્ક રીફીલ

(5:06 pm IST)