Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

કાલથી ગાંધીનગરમાં રાષ્ટ્રીય મેંગો મહોત્સવઃ ભૂપેન્દ્રભાઈના હસ્તે ઉદ્ઘાટન

પંજાબ, હરીયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશના જુદા- જુદા રાજયોમાંથી કેરીનું આગમનઃ કેરીની સ્પર્ધા પણ આકર્ષણ જમાવશેઃ રાજયના પ્રવાસન વિભાગ દ્વારા નવતર પ્રયોગ, ત્રિ દિવસીય આયોજન

(અશ્વિન વ્યાસ), ગાંધીનગરઃ રાજયના પાટનગર ગાંધીનગરના ઈતીહાસમાં પ્રથમ વખત આવતીકાલથી રાષ્ટ્રીય મેંગો મહોત્સવનો આરંભ થઈ રહ્યો છે. આ મહોત્સવને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. આ રાષ્ટ્રીય કાર્યક્રમનું રાજયના પ્રવાસન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ છે.

આ મેંગો ઉત્સવમાં શહેરીજનોને સૌથી વધારે આનંદ આવે તે માટે મેંગો ફેસ્ટિવલમાં કેરીની સ્પર્ધા યોજવવાની છે. આ સ્પર્ધામાં સ્પર્ધકો કેટલી કેરીઓ ખાઈ શકે છે, સૌથી વધારે અને રસમાં પણ સૌથી વધારે રસ કોણ પી શકે છે. તેવી સ્પર્ધા કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ આવતીકાલે યોજાશે. જયારે બાકીના બે દિવસ જુદા- જુદા રાજયોની કેરીઓનું પ્રદર્શન યોજાશે.

આ ફેસ્ટિવલમાં દેશના જુદા જુદા રાજયોમાંથી જુદા- જુદા પ્રકારની કેરીઓ આવશે. આ રસપ્રદ વિગતો આ મુજબ છે.

(૧) પંજાબ- ઔઆ, દશેરી, માલ્દા કરેઓ, (૨) હરિયાણા- ઔસા, દશેરી, લંગડો, ફઝલી કેરીઓ, (૩) ગુજરાત- કેસર, હાફુસ, રાજાપુરી, જામદર, તોતાપુરી, જાલમ, દશેરી, લંગડો, (૪) રાજસ્થાન- બોમ્બે ગ્રીન, ઔસા, દશેરી, લંગડો, (૫) મહારાષ્ટ્ર- હાફુસ, કેસર, પાપરી,  (૬) કર્ણાટક- હાફુસ, તોતાપુરી, બંગનાપલ્લી, પાયરી, (૭) હિમાચલ પ્રદેશ- ઔસા, દેશરી, લંગડો,ઙ્ગ (૮) ઉત્તરપ્રદેશ- બોમ્બે ગ્રીન, ઔસા, દશેરી, લંગડો, (૯) બિહાર- ફાઝી, ગુલાબકસ, કિસનભોગ, હિમસાગર, જર્દાલુ, (૧૦) પશ્ચિમ બંગાળ- હિમસાગર, (૧૧) આંધ્રપ્રદેશ- બંગના પલ્લી, સુવણરિસા, જાલમ.

આમ ગાંધીનગર અને આજુબાજુના જિલ્લાના લોકો આ ફેસ્ટિવલ જોવા અને જુદા- જુદા રાજયોની કેરીઓ ખરીદવા ઉમટી પડશે. આમ ગુજરાત પ્રવાસન નિગમનો આ નવતર પ્રયોગ હોય લોકોનો  અપ્રતિમ પ્રતિસાદ મળે તેવી સંભાવના છે.

(3:43 pm IST)