Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

પથારીમાં ઝાડો-પેશાબ થતાં કલાકો સુધી ચાદર ન બદલાઈ

સિવિલની લાલિયાવાડીનો વધુ એક કિસ્સો : હોસ્પિટલના સ્ટાફને કહેવા છતાં તેઓએ સફાઈ માટે કોઈ વ્યવસ્થા કરી આપી નહોતી : મૃતક પરિવારોનો આક્ષેપ

અમદાવાદ, તા. ૨૬ : સિવિલની કોવિડ હોસ્પિટલની લાલિયાવાડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલી મહિલાને પથારીમાં ઝાડો-પેશાબ થઈ જવા છતાંય કલાકો સુધી પથારીમાં રહેવું પડ્યું હતું. ત્યારબાદ રવિવારે મહિલાનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોનો આરોપ છે કે, હોસ્પિટલના સ્ટાફને કહેવા છતાં તેઓએ સફાઈ માટે કોઈ વ્યવસ્થા કરી આપી નહોતી. મૃત્યુના એક દિવસ અગાઉ મહિલાએ તેના પુત્રને ફોન કરીને હોસ્પિટલમાં તેમની સાથે થયેલા અમાનવીય વર્તન અંગે જણાવ્યું હતું અજિત મિલ વિસ્તારમાં રહેતા ૪૪ વર્ષીય રૂક્સાનાબાનુ અંસારીને ૧૮મી મેના રોજ જીસીઆરઆઈ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને સામાન્ય ઉઘરસ અને તાવ હતી.

               મહિલાએ તેના પુત્રને ફોન કરીને જણાવ્યું હતું કે, બેડ પર ઝાડા અને પેશાબ થઈ જવા છતાં કોઈપણ મદદ કરવા માટે હાજર નથી. પુત્રની સાથે વાતચીત થયા બાદ રવિવારે રૂક્સાનાબાનુ અંસારીએ કોવિડ વોર્ડમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેના પુત્રને ફોન પર જણાવ્યું હતું કે, તે ધ્રુજી રહી છે... તે પોતાને સાફ પણ નથી કરી શકી, કારણ કે તેના હાથ આગળ વધતા નહોતા. રૂક્સનાએ તેના પુત્ર સદ્દામને ફોન કરીને કહ્યું હતું કે, તેને લકવાની અસર થઈ છે. તેમજ બેડ ઉપર ઝાડો-પેશાબ થઈ ગયા છે. ફોનના કોલ રેકોર્ડિંગ મુજબ મહિલા તેના પુત્રને જણાવે છે કે, બાજુના બેડવાળા લોકોએ પણ સિસ્ટરને તેમજ ડૉક્ટરને ચાદર અને કપડા બદલવા માટે કહ્યુ હતું. પરંતુુ ડૉક્ટર અને નર્સે કહ્યું હતું કે, અમારું કામ નથી. ત્યારબાદ અચાનક મહિલાનો અવાજ ધીમો થઈ જાય છે.

                 ૨૧ વર્ષીય સદ્દામ ફોન પર હેલ્લો.. હેલ્લો કહીને રડતો સંભળાય છે. મૃતક મહિલાના ભાઈ નૌશાદ અંસારીએ જણાવ્યું કે, મારી બહેન જાતે ૧૦૮માં બેસી ગઈ હતી. ત્યારબાદ તેની તબિયત વધુ બગડવા લાગી હતી. શનિવારે સાંજે તેણીએ સદ્દામને ફોન કરીને કહ્યું હતું કે, લકવો થયો છે અને બેડમાં ઝાડો પેશાબ થઈ ગયો છે, પરંતુ સાફ-સફાઈ માટે કોઈ હાજર નહોતું. રવિવારે સવારે સદ્દામને જાણ કરવામાં આવી કે તેની માતાનું મૃત્યુ થયું છે. અંસારી પરિવારે તેમના મૃતદેહ માટે કલાક રાહ જોવી પડી હતી. નૌશાદે કહ્યું હતું કે, 'સ્થાનિક કાઉન્સિલર ઇકબાલ શેખે જીસીઆરઆઈના ડિરેક્ટરને અંગે જાણ કરતા સાંજે .૧૫ વાગ્યે મૃતદેહને મુક્ત કરવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે હોસ્પિટલનો સ્ટાફ ખૂબ નિર્દયી છે.ગત સપ્તાહે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અન્ય એક સંબંધીનું મોત નીપજ્યું હતું અને તેમના ઘરેણા ચોરાઈ ગયા હતા. અમાનવીય વર્તન માટે જવાબદાર હોસ્પિટલના ડૉક્ટર્સ અને સ્ટાફ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

(10:18 pm IST)