Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

રાજપીપળાથી રામગઢને જોડતા પુલ પર કામ કરતો મજૂર ૨૫ ફુટથી નીચે પડતાં ગંભીર ઈજા: વડોદરા ખસેડાયો

રેલીંગનું બેલેન્સ હટતા મજુર રેલીંગ સાથે ૨૫ ફુટ નીચે પટકાયો :બીજી રેલીંગ પણ મજુર પર પડી પરંતુ મજુરનો આબાદ બચાવ:કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોને કોઈ પણ જાતના સેફ્ટીના સાધનો ન અપાતા આ બ્રિજ પર કામ કરતા મજૂરોને જીવનું જોખમની ચર્ચા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કરજણ ઑવારેથી રામગઢને જોડતા પુલનું કામ જોર શોરમાં ચાલી રહ્યું છે.ઘણા મજૂરો આ પુલનું કામ કરી રહ્યા છે, જલ્દી જ આ પુલનું કામ પૂર્ણ થવાને આરે છે ત્યારે મંગળવારે બપોરે ૩ વાગ્યાના અરસામાં આ પુલ પર ૨૫ ફુટ જેટલી ઊંચી રેલીંગ પર કામ કરતો મજુર નીચે પડી જતાં ગંભીર ઇજા થઈ હતી.

  પ્રાપ્ત માહિતી અનુસાર દિલીપભાઈ ચતુરભાઈ બારીયા નામનો મજુર આ પુલના રેલીંગ પર કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ રેલીંગનું સમતુલન ખોરવાતા દીપિલ બારીયા રેલીંગ સાથે જ લગભગ ૨૫ ફુટ ની ઊંચાઈએથી નીચે પડી જતા બીજી રેલિંગો પણ તેના ઉપર પડી હોવાનું જાણવા મળ્યું હતું.જોકે દીપીપ બારીયાનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો.એટલી ઊંચાઈ પરથી પડતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી

 . આ ઘટના બાદ બધા મજૂરો દોડી આવ્યા અને બ્રિજનું કામ થોડા સમય માટે થંભી ગયું હતું. આ ઘટના દરમીયાન લાલ ટાવર પાસે રહેતા સામાજિક આગેવાન રાજુભાઈ રાઉલજી ત્યાં પુલ નજીક નદીના ઓવારા પાસે જ હોય તેમણે ૧૦૮ ને ફોન કરી બોલાવી હતી અને દિલીપભાઈ ને રાજપીપળા સરકારી હોસ્પિટલ માં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા.જોકે જાણવા મળ્યા મુજબ દિલીપ બારીયા ને છાતી માં દુખાવો થતા તેને વડોદરા રીફર કરાયા હતા.

  જાણવા મળ્યા મુજબ પુલનું કામ જોર માં ચાલુ છે પણ કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોને કોઈ પણ જાતના સેફ્ટીના સાધનો આપવામાં નથી આવ્યા સેફ્ટીના સાધનો ન હોવાથી આ બ્રિજ પર કામ કરતા મજૂરોના જીવનું જોખમ બમણું થઇ જાય છે. કરોડોના ખર્ચે બની રહેલા આ બ્રીજ ના કોન્ટ્રાકટર પાસે શું મજૂરોની સેફ્ટી માટેના સાધનો જ નથી? જો આ મજૂરો ને સેફ્ટી ના સાધન આપ્યા હોત તો આ દુર્ઘટના માં મજૂર ઇજાગ્રસ્ત થતા બચી શક્યો હોત,આવી ગંભીર બેદરકારી બાબતે તંત્ર એ પણ કોઈજ તકેદારી ન રાખી..?જો આજની આ દુર્ઘટના માં મજૂરે જીવ ગુમાવ્યો હોત તો એ માટે જવાબદાર કોણ..?
  કરોડોના ખર્ચે બની રહેલા આ પુલના મજૂરો સેફ્ટીના સાધનો વગર જ જીવના જોખમે કામ કરે છે. કોન્ટ્રાકટર અને લાગતા વળગતા તંત્રના અધિકારીની નિષ્કાળજી કે મિલી ભગત બાબતે યોગ્ય તપાસ કરી કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.સાથે સાથે મજૂરોને સેફ્ટીના સાધનો બાબતે પણ કાળજી લેવાય તે જરૂરી છે.

(6:41 pm IST)