Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના માંડણના ચીનકુવા ફળિયાના લોકો આઝાદી બાદથી વિકાસની રાહ જોઈ રહયા છે

આઝાદી કાળથી આજદિન સુધી વિકાસથી વંચિત આ ગામના લોકો પાયાની સુવિધા વિના ઝઝૂમી રહ્યા છે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: કોરોનાના કહેર વચ્ચે લોકો વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે ત્યાં ઉનાળાના ધગધગતા તાપમાં નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીની પોકાર પડી રહી છે,લોકોને ભર ઉનાળે પીવાના પાણીની પારાવાર મુશ્કેલી પડી રહી છે. નર્મદા જિલ્લામાં હજુ પણ એવા ઘણા ગામડાઓ છે કે જ્યાં આઝાદી પછી નથી રસ્તો બન્યો કે નથી પાણી ની સુવિધા સરકારે ઉપલબ્ધ કરાવી તેવુજ એક ગામ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનું અંતરિયાળ માંડણ ગામના ચીનકુવા ફળિયાના ગ્રામજનો પણ પાયાની સુવિધા વિના મુશ્કેલી વેઠી રહયા છે.

  માંડણ ચીનકુવા ફળિયાના ગ્રામજનોના જણાવ્યા મુજબ અમારા ગામમાં 500 જેવા લોકોની વસ્તીમાં અત્યાર સુધી કોઈ સરકારી યોજનાઓ આવી જ નથી.1 થી 5 ધોરણની શાળા પણ ઝુંપડામાં ચાલે છે,આ શાળામાં એક બાજુએ લોકો રહે છે તો બીજી બાજુ શાળા ચાલે છે.
  પાણી માટે ફક્ત કૂવો જ એક માત્ર સ્ત્રોત છે.પાણી ભરવા ઉનાળાના બળબળતા તાપમાં ગામની મહિલા ઓએ બે કિમી સુધી પથ્થરો પર ચાલી ટેકરી પરથી નીચે ઉતરી 60- 70 ફૂટ ઊંડા કુવામાંથી પાણી ભરે છે,ત્યારે અમુક લોકો પાણીનાં ઝર ફૂટે છે ત્યાંથી પાણી ભરે છે.રસ્તો પણ કાચો છે.ચોમાસામાં જો કોઈ બીમાર પડ્યું હોય તો ગામ સુધી 108 કે અન્ય કોઈ વાહન આવી જઈ શકતું ન હોવાથી અમારે ઝોળીમાં બાંધી બીમાર વ્યક્તિને બહાર લઈ જવો પડે છે.અમારા ગામમાં આઝાદી પછી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ જ નથી.
 અત્રે એ ઉલ્લેખનીય છે કે સરકાર ભલે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે એની આસપાસના ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરે પણ સાથે સાથે વર્ષોથી વિકાસ ઝંખતા આવા કેટલાક ગામો નો પણ વિકાસ કરવો જોઈએ, બીજું કંઈ નહીં તો પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જ રહી.

(6:07 pm IST)