Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

લોકશાહીની ચોથી જાગીર -લોકશાહીના પ્રહરી મીડિયાને ભાજપ હમેશાં સન્માનની નજરે જુવે છે.: ભરત પંડ્યા

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ :ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે મીડીયા સામેનાં આ પ્રકારનાં ટવીટથી મીડિયાનાં મિત્રોની જેમ  મને પણ દુ:ખ થયું છે, આઘાત લાગ્યો છે. હું , ભાજપ, સરકાર હમેશાં મીડિયા ફ્રેન્ડલી રહ્યાં છીએ.થોડાં સમય પહેલાં રાજકોટ ખાતે પત્રકાર મિત્ર હાર્દિક પર હુમલો થયો ત્યારે પણ અમે વખોડી નાંખ્યો હતો. અને મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી અને ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ હુમલો કરનાર સામે તાકીદે કાયદેસર કડક પગલાં લેવાંની સૂચના આપી હતી.

આ ટવીટના જાણ થતાં જ પ્રદેશપ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ડો. રુત્વિજ પટેલ સાથે વાત કરીને સૂચના આપી હતી. ભાઈ શ્રી રુત્વિજે તાત્કાલિક ટવીટ ડીલીટ કરીને દિલગીરી વ્યક્ત કરી હતી. પ્રમુખશ્રીએ સોશિયલ મીડિયાનાં કન્વીનરને પણ આ પ્રકારની કોઈ ભૂલ ન થાય તે માટેની તાકીદ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ આ વિષયને ગંભીરતાથી લીધો છે.
ભરત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે મીડિયા એ લોકશાહીની ચોથી જાગીર છે. લોકશાહીની પ્રહરી છે. ભાજપ  મીડિયાને હમેશાં સન્માનની નજરે જુવે છે.મીડિયાની હકારાત્મકતા જ કોરોના સામેની લડાઈ લડવા માટેનું લોકોને મજબૂત મનોબળ પૂરું પાડે છે. અમે મીડિયા જગતની જનહિત, દેશહિતની કામગીરીને ,કોરોના સામે જનજાગૃતિનાં કાર્યને બિરદાવીએ છીએ અને હ્રદયપૂર્વકનાં અભિનંદન આપીએ છીએ.અમે જનતાની સાથે છીએ. મીડિયાની સાથે છીએ.

(6:03 pm IST)