Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

દેડીયાપાડા CPI સાથે બીટીપીના આગેવાન ચૈતર વસાવાની ચકમકનો વિડિઓ વાયરલ: ભારે કુતુહલ

સોશિયલ મીડિયામાં વિડિઓ વાઇરલ થતાં પોલીસ તંત્ર તેમજ રાજકીય ક્ષેત્રે આ બનાવે ભારે ચર્ચા ઉપજાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના મહામારી વચ્ચે હાલ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં લોકડાઉન ચાલુ છે જેમાં નિયમોનાં કડક પાલન સાથે દિવસ દરમિયાન લોકડાઉનમાં કેટલીક છૂટ છાટ અપાઈ છે.નર્મદા જિલ્લાના દરેક તાલુકામાં પોલીસ દ્વારા કડક ચેકીંગ થઈ રહ્યું હોય જેમાં દેડિયાપાડા તાલુકામાં પણ પોલીસ વાહન સહિતનું ચેકિંગ કરતી હોય એવાં દરમિયાન ડેડિયાપાડાનાં CPI ચૌધરી સાથે BTP નાં કાર્યકર અને તેમના સહયોગી દ્વારા ગેરવર્તણૂંક કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ બેડામાં આ બાબતે ચકચાર મચી ગઇ છે.

 નર્મદા જિલ્લા BTP આગેવાન ચૈતર વસાવાએ આ વાયરલ વીડિયો વિશે જણાવ્યું કે,લોકડાઉન દરમિયાન પોલીસ મોઝદા રોડ પર કાચો માલ લઈ જતા લોકોની ગાડીઓને રોકતી હતી. એમની પાસે જરૂરી દસ્તાવેજો હોવા છતાં પોલીસ એમની પાસે પૈસા માંગતી હતી. આ બાબતની ફરિયાદ મને મળતા હું ત્યાં ગયો હતો. જ્યાં મે જોયું કે, જે પૈસા આપે એની ગાડી જવા દે અને જે પૈસા ના આપે એની ગાડી ડોક્યુમેન્ટ હોવા છતાં પોલીસ રોકતી હતી. માટે ડેડિયાપાડા CPI ચૌધરી સાથે મારે આ બાબતે થોડીક રકઝક પણ થઈ હતી.જો કે અંતે પોલીસે ગાડીઓ જવા દીધી હતી અને સમાધાન થતા અમે ત્યાંથી નીકળી ગયા હતાં.

 બીજી બાજુ ડેડિયાપાડા CPI ચૌધરીએ જણાવ્યું કે, અમે રમઝાન ઈદનાં બંદોબસ્ત દરમિયાન લોકડાઉન નાં અમલ માટે જેની પાસે જરૂરી ડોક્યુમેન્ટ ના હોય એમની ગાડીઓ રોકતા હતાં. અમુક લોકો પાસે ફોરવ્હીલ નું લાઈસન્સ હતું અને હેવી મોટર વ્હિકલનું લાઈસન્સ ન હતું. જેથી આવી ગાડીઓને અમે ડિટેઈન કરી તો ચૈતર વસાવાએ મને કહ્યું કે કેમ ગાડી ડિટેઈન કરી, અમે ગાડીઓ વાળા પાસેથી પૈસા લઈએ છે એ ઉપજાવી કાઢેલી વાત છે,પોલીસને દબાવવા અને ખોટા પાડવાના પ્રયાસ છે.

 હવે આ મામલો સોશીયલ મિડીયામા વાયરલ થઇ રહયો છે ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા આ બાબતે શુ પગલાં લેવામાં આવે છે એ બાબતે હાલ પોલીસ વિભાગ માં ભારે ચર્ચા જગાવી છે.

(5:54 pm IST)